Abtak Media Google News

આજે વન્ય જીવનદિવસની ઉજવણી

67 દુલર્ભ પ્રજાતી-555 પશુપક્ષીઓનું સાનિધ્ય માણવાનું રમણીય પ્રકૃતિધામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ 67 પ્રજાતિઓના 555 વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝુની દર વર્ષે 7.50 લાખથી પણ વધુ  સહેલાણીઓ મુલાકાત લે છે.

Advertisement

પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિટેન્ડન્ટ ડો.હિરપરાના જણાવ્યા અનુસાર, એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે રિંછ, મગરો, હરણો, વાંદરા, શ્વાન, અત્યાધુનિક સાપધર અને માછલીઘર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. સસ્તન 27 પ્રજાતિ ધરાવતા 174 પ્રાણીઓની, 26 પ્રજાતિના 334 પક્ષીઓ,  14 સરીસૃપ  પ્રજાતિના 47 પ્રાણીઓ આ પાર્કમાં વિહરી રહ્યા છે.

રાજકોટના તત્કાલીન રાજવી ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજીનું નામ આ ઝુને અપાયુ છે. પ્રદ્યુમ્ન પાર્ક તરીકે જાણીતો આ વિસ્તાર બે બાજુએ લાલપરી, તથા અન્ય બાજુઓએ રાંદરડા તળાવ તથા કબીર ટેકરીથી ઘેરાયેલ છે. કુદરતી  ચઢાણ અને ઉતરાણ અને અનન્ય પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો આ વિસ્તાર ખુબ જ રમણીય, સોહામણો અને હરિયાળો છેઆ પ્રાણી ઉદ્યાન ખાતે એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે પ્રજાતિના રિંછ, બે પ્રજાતિની મગરો, છ પ્રજાતિના હરણો, ચાર પ્રજાતિના વાંદરા, ચાર પ્રજાતિના શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.

લોકોમાં વન્યસૃષ્ટિ વિશે સમજ અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રાજકોટ પ્રાણી ઉદ્યાન દ્વારા ખુબ જ આકર્ષક સ્ટેટ ઑફ ધ આર્ટ માહિતી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. જે મુલાકાતીઓને ઝુ વિશે, પ્રાણીઓ વિશે, ગીર અભ્યારણ્ય અને ઘુડખર અભ્યારણ્ય, કચ્છ વિસ્તારના નિવસનતંત્ર વગેરે વિશે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ ઈન્ટરપ્રીટેશન સેન્ટરમાં થીમ આધારીત જુદા જુદા પ્રદર્શન કક્ષ બનાવવામાં આવ્યા છે.  જેમાં પ્રાણી સંગ્રહાલય કક્ષ, ગિર ઇકો સિસ્ટમ,  સસ્તન વર્ગનાં પ્રાણીઓ,  પક્ષી જગત,  સરીસૃપ વર્ગ, કચ્છ ઇકો સિસ્ટમ, એજ્યુકેશન કક્ષનો સમાવેશ થાય છે.

ઝુની મુલાકાત દરમિયાન સહેલાણીઓ આનંદિત રહે તેમજ તેમને દરેક જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી 10 બેટરી સંચાલીત કાર, 8 ઠંડા પાણીના પરબ, 8 રેસ્ટીંગ શેડ, 8 ક્રિડાંગણ લોન, 5 ટોઇલેટ બ્લોકસ, 4 કેન્ટીન, 3 બાળ ક્રિડાંગણ, 5 લોન અને ગાર્ડન,  મુલાકાતીઓ માટે 100 બેન્ચીસ, 2 વ્હીલ ચેર, 4 બેબી પ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝુનામાં 3 વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ છે.  જ્યારે પુખ્ત વયની વ્યક્તિઓ તથા કેમેરા માટે નિયત પ્રવેશ ટિકિટ રાખવામાં આવી છે.

બેટરી સંચાલિત વાહન 3 વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે જ્યારે અન્યો માટે નજીવા દરે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આ પ્રાણીઉદ્યાન દર શુક્વારે મુલાકાતીઓ માટે બંધ રાખવામા આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1987માં મોરબીથી એક કાળિયાર હરણની જોડી મેળવી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પાર્ક બનાવી ઝુની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રમે ક્રમે મગરપાર્ક, માછલીઘર, પક્ષીઘર તથા પ્રાણીપર બનાવી આજીડેમ ખાતે ઝૂનો વિકાસ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી, 1992ના રોજ વિનામુલ્યે મુલાકાતીઓ માટે ઝૂ વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યુ હતું.

આજી ઝૂ ખાતે વન્યપ્રાણી ધારાધોરણ મુજબ પ્રાણીઉદ્યાનનો વિકાસ શક્ય ન જણાતા પ્રદ્યુમ્ન પાર્ક વિસ્તાર ખાતે 137 એકર વિસ્તારમાં કુદરતી મનોરમ્ય વાતવરણમાં પ્રાણીઉદ્યાન વિકસાવવામા આવ્યુ.  અહિં ઈણઅ નાં ધારાધોરણ મુજબ જુદા જુદા પ્રાણીઓ માટે વિશાળ કદનાં ખુલ્લાં મોટા પાંજરાઓ બનાવી તા. 14-08-2010ના રોજ તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ તથા પ્રથમ મુલાકાતી તરીકે ટિકીટ મેળવી પ્રવેશ શુલ્ક્ની શરૂઆત કરવામાં આવી હતી.

રાજકોટની પાદરમાં થાય છે સિંહનું સંવર્ધન

રાજકોટ ખાતે પ્રદ્યુમ્ન પાર્ક ખાતે ઝૂ બનાવવામાં આવતાં, આજી ડેમ ખાતે અગાઉ કાર્યરત ઝૂ બંધ કરીને તેને “એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર તરીકે વિકસાવાયુ છે, જેને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી દ્વારા એશિયાઇ સિંહના સંવર્ધન અને ઉછેર માટેની માન્યતા પણ મળી છે. રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં 50 સિંહબાળનો જન્મ થયો છે. તેમ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રીટેન્ડન્ટ ડો.હિરપરાએ જણાવ્યું હતું. આ સમગ્ર સંવર્ધન અને ઉછેર માટેનો પ્રોગ્રામ ખુબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે, જે અંતર્ગત બંધનાવસ્થામાં જનીનિક દ્રષ્ટિએ તંદુરસ્ત એવા એશીયાઇ સિંહો વચ્ચે મેટીંગ કરાવી તેમની વસ્તીને વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હીના ધારાધોરણ મુજબ વન્ય પ્રાણી વિનિમય દ્વારા રાજકોટ ઝૂ ખાતેથી હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ, પંજાબ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, ભિલાઇ ઝૂ, પંજાબ ઝૂ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, છતીસગઢ ઝુ, કાંકરીયા ઝૂ. અમદાવાદ ઝુ, સક્કરબાગ ઝૂ, જુનાગઢ વિગેરે અલગ અલગ ઝૂ ખાતે સિંહ આપી અન્ય વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી ઝુનો વિકાસ કરવામાં આવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.