Abtak Media Google News

દેશમાં વિદેશી હૂંડિયામણ ભંડાર ખૂટી જતા વિદેશમાંથી આવશ્યક દવાઓ આયાત કરવા અસક્ષમ : દવાઓની અછતને પગલે ડોકટરોને નિર્ધારિત સર્જરી પણ મુલતવી રાખવી પડી તેવી સ્થિતિ

એક સાંધેને તેર તૂટે તેનાથી પણ બદતર હાલત પાકિસ્તાનની થઈ છે. કારણકે તે એક સાંધવા પણ સક્ષમ નથી. તેવામાં તેર તૂટવાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પાકિસ્તાનમાં હાલ મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ છે. દેશમાં દવાઓનો જથ્થો હવે માત્ર બે અઠવાડિયા ચાલે તેટલો જ બચ્યો છે.

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે વધુ એક નવી સમસ્યા સામે આવી છે. અહીંની હોસ્પિટલોમાં જરૂરી દવાઓની ભારે અછત છે. તાજેતરની કટોકટીના કારણે, પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર તૂટી ગયો છે અને તેના કારણે પડોશી દેશ વિદેશમાંથી આવશ્યક દવાઓ આયાત કરવા સક્ષમ નથી. એટલું જ નહીં, તે સ્થાનિક ઉત્પાદન માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ નથી.

રિપોર્ટ અનુસાર, ઘણી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને હોસ્પિટલોમાં દર્દીઓની હાલત ખરાબ છે. આને કારણે, ડોકટરોએ નિર્ધારિત સર્જરી પણ મુલતવી રાખવી પડી છે અને જરૂરી દવાઓ અને સાધનોના અભાવે તેઓ દર્દીઓ પર ઓપરેશન કરી શકતા નથી. હૃદય, કિડની અને કેન્સરના ઓપરેશન જેવી સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ માટે એનેસ્થેટિકની જરૂર પડે છે અને પાકિસ્તાનની મોટાભાગની હોસ્પિટલોમાં બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી છે.

દવાઓ અને જરૂરી સાધનોની અછતને કારણે પાકિસ્તાનની હોસ્પિટલોમાં રોજગારી છીનવાઈ જવાનો પણ ભય છે. આટલું જ નહીં, ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઉત્પાદન બંધ થવાને કારણે અહીં બેરોજગારી વધવાનો ભય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આ માટે પાકિસ્તાનની નાણાકીય કટોકટીને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે કોમર્શિયલ બેંકો આયાત માટે ક્રેડિટ લેટર આપી રહી નથી.

પાકિસ્તાનનું દવા બજાર સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. સ્થાનિક ઉત્પાદન માટે વપરાતા 95% કાચા માલની આયાત કરવામાં આવે છે. પાકિસ્તાન ભારત-ચીન સહિત અન્ય દેશોમાંથી આવશ્યક કાચો માલ આયાત કરે છે. હવે આયાત બંધ થવાથી અહીં સારવાર પણ મોંઘી બની શકે છે. દવા ઉત્પાદક ઉદ્યોગોએ એવી ચેતવણી પણ આપી છે કે જો ટૂંક સમયમાં કાચા માલની આયાત કરવામાં નહીં આવે તો અહીં દવાઓના ભાવ ચોક્કસ વધશે. સ્થિતિ એ છે કે પાકિસ્તાનમાં દવાઓના ભાવ વધે તો પણ અહીંના લોકો પાસે સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.