મેઘ મહેર: રાજયનાં ૯૪ તાલુકાઓમાં સવારથી વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો

અબતક,રાજકોટ

ભાદરવામા મેઘરાજાએ જમાવટ કરી છે. સાયકલોનીક સરકયુલેશન નબળુપ ડી ગયું છે. પરંતુ લોકલ ફોર્મેશનના કારણે રાજયમાં વરસાદ પડવાનું હજી ચાલુ જ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. કચ્છના રાપરમાં ચાર ઈંચ, સુરેન્દ્રનગરનાં દસાડા, મોરબીના હળવદમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારથી પણ ૯૪ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. ચોમાસુ સક્રિય હોવાના કારણે રાજયમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૩૧ જિલ્લાના ૧૮૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વડોદરા અને ક્ચ્છના રાપરમાં ચાર-ચાર ઈંચ પડયો છે. કચ્છમાં ગઈકાલે સાર્વત્રિક હળવા ઝાપટાથી ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. અબડાસામાં૨૯ મીમી ભચાઉમાં ૨૬ મીમી, ભૂજમાં ૨૮ મીમી, લખપતમાં ૧૯ મીમી, માંડવીમાં ૧૦ મીમી નખત્રાણામાં ૧૮ મીમી, અને રાપરમાં ૯૨ મીમી વરસાદ પડયો હતો. કચ્છમાં આજ સુધીમાં મોસમનો ૬૧.૩૮ ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે હળવદમાં ત્રણ ઈંચ, ધ્રાંગધ્રામાં દોઢ ઈંચ, લખતરમાં એક ઈંચ, મૂળીમાં અર્ધાઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં લોધિકામાં એક ઈંચ અને ધોરાજીમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. મોરબી જિલ્લામાં હળવદમાં ત્રણ ઈંચ, જામનગરના લાલપુરમાં પોણો ઈંચ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં અર્ધો ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં અર્ધા ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં અર્ધા ઈંચ, ભાવનગર જિલ્લાનાં જેસરમાં અને મહુવામાં પોણો ઈંચ, તળાજા, ઉમરાળા અને વલ્લભીપૂરમાં અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો છે.

આજ સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ ૫૯.૭૧ ટકા વરસાદ પડયો છે. કચ્છમાં ૬૧.૩૮ ટકા, ઉતર ગુજરાતમાં ૫૧.૨૩ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૦.૯૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૨.૪૨ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૪.૧૯ ટકા વરસાદ વરસી ગયો છે. આજે વહેલી સવારથી રાજયનાં ૭૨ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ પડયો હતો.

૧૩ જળાશયોમાં સવા બે ફૂટ સુધી પાણીની આવક

સૌરાષ્ટ્રમાં ગઇકાલે એંકદરે મેઘવિરામ જેવો માહોલ રહ્યા પામ્યો હતો. છતા છલકાતા નદી નાળાઓના કારણે ડેમમાં નવા નીરની આવક થવા પામી હતી. ભાદર સહિત ૧૩ ડેમમાં સવા બે ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં ૦.૧૬ ફૂટ, આજી-૧ ડેમમાં ૦.૪૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૪૯ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ, છાપરવાડી-૨ ડેમમાં ૨.૩૦ ફૂટ, ડેમી-૧ ડેમમાં ૦.૦૭ ફૂટ, ડેમી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, આજી-૪ ૦.૧૩ ફૂટ, આજી-૪ ડેમમાં ૦.૧૩ ફૂટ, વર્તુ-૧ ડેમમાં ૦.૮૨ ફૂટ, વર્તુ-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, ફળકુમાં ૦.૪૯ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૦.૩૩ ફૂટ અને સોરઠમાં ૦.૪૯ ફૂટ આવક થવા પામી છે.