Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં ૮૨ તાલુકામાં મેઘમહેર: લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

વહેલી સવારે ભાવનગરનાં મહુવા, જેસર, તળાજા, પાલિતાણા, અમરેલી, ગીર સોમનાથ, રાજુલા સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ

રાજયમાં વરસાદ ફરી એકવાર પાછો ફર્યો છે અત્યાર સુધીમાં રાજયમાં ૧૩૨ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આગાહી મુજબ આગામી બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. લો-પ્રેશર સક્રિય થતા રાજયનાં ઘણાખરા વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. મેઘાનો પૂછડીયો પ્રવાહ જાણે પાક તહસ-નહસ કરી નાખે તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૮૨ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. આજે વહેલી સવારથી પણ સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજુલા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

ગુજરાતમાં આ સિઝનનો સારો વરસાદ પડી ચુકયો છે જોકે હજુ પણ વરસાદે પોતાની બેટીંગ યથાવત જ રાખી છે. આગાહી મુજબ ગીર સોમનાથ, જુનાગઢ, ડાંગ, નવસારી, રાજુલા, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. સાથો સાથ કચ્છમાં ૫ણ વરસાદી માહોલ બની રહે તેવી સંભાવનાઓ છે. આજે સવારથી વાત કરીએ તો ૬ થી ૮ દરમિયાન ૩૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ભાવનગરનાં મહુવામાં ૧.૨૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે ભાવનગરના જેસર, તળાજા, પાલિતાણા, જેતપુર, સંખેડા, નસવાડી, જાફરાબાદ અને સિંહોરમાં વરસાદ નોંધાયો છે.  રાજુલા અને ઉનામાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે તો મહુવાના જેસરમાં અને ઘોઘામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર પંથકમાં પણ સવારથી વરસાદ શરૂ થયો હતો. વિજળીના કડાકા અને ગાજવીજ સાથે ભાવનગર સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો.  ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવા એક પણ તાલુકામાં ૯.૮૮ થી ૧૯.૬૮ ઈંચ, ૧૨૫ તાલુકામાં ૧૯.૭૨ થી ૩૯.૩૭ ઈંચ, ૧૧૧ તાલુકામાં ૧૯.૭૨ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે.

૨૫ સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટશે

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શકયતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોય અતિભારે વરસાદની થવાની શકયતા પણ નહિવત છે પરંતુ છતિસગઢ પરનું હળવુ દબાણ પશ્ર્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શકયતાના પગલે ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શકયતા છે તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોય તા.૨૪ સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શકયતા છે તેમજ ૨૫ સપ્ટેમ્બર બાદ વરસાદ નહિવત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.