Abtak Media Google News

આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ રહ્યો

સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેના કારણે જગતાતમાં હરખની હેલી જોવા મળી રહી છે.

ગઇકાલે બપોર બાદ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. આજે વહેલી સવાર સુધીમાં જામનગરમાં અઢી ઇંચ, જોડીયામાં ચાર ઇંચ, ધ્રોલમાં સાડા ત્રણ ઇંચ, કાલાવડ અઢી ઇંચ, લાલપુર-જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

સાર્વત્રિક મેઘ મહેરથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના પાંચ જળાશયમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં સૌથી વધુ ફૂલઝર-2 ડેમમાં 11.48 ફૂટ નવા નીર આવ્યા છે. જ્યારે રંગમતી ડેમમાં 0.98 ફૂટ અને પન્ના ડેમમાં 0.82 ફૂટ નવું પાણી આવ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

જામનગર ધૂતારપૂર ગામે 108 અકસ્માતમાં ફસાઈ: ફાયરનું રેસકયું

જામનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદના કારણે  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે કાલાવડ તાલુકાના  અમરાપર (ધુતારપૂર)થી જામનગર જતી 108ની એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી હતી જેમાં પ્રેગ્નેટ મહિલા નુરીબેન બામણીયા સવાર હતા ત્યારે વધુ  પાણીના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી ત્યારે કાલાવડ ફાયર બ્રિગેડને કોલ કરતા તુરંત  જ કાલાવડ ફાયરની ટીમ સ્થળ પર  પહોચીને એમ્બ્યુલન્સને  ભારે જહેમત બાદ  પાણીમાથી બહાર કાઢીને  જામનગર ખાતે  જવા રવાના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.