Abtak Media Google News

ભેંસાણ-ભાવનગરમાં ૧ ઈંચ, જેતપુર-ગઢડામાં પોણો ઈંચ, બાબરા-જામકંડોરણામા અડધો ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અવિરત મેઘમહેર ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૫૨ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સતત પડી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી સેન્ટરનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૫૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાનાં સહેરા તાલુકામાં ૪૫ મીમી વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ભેંસાણ અને ભાવનગરમાં ૧ ઈંચ, જેતપુર-ગઢડામાં પોણો ઈંચ, બાબરા-જામકંડોરણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મુળી, લાઠી, ગાંધીધામ, સાયલા અને કાલાવડમાં ઝાપટા પડયા હતા. દક્ષિણ ગુજરાત પર સાયકલોનીક સરકયુલેશન સક્રિય હોવાનાં કારણે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી અસહય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે જોકે સવારથી રાજયમાં કોઈપણ સ્થળે વરસાદ વરસી રહ્યા હોવાનાં અહેવાલો મળી રહ્યા નથી.સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ હોવાનાં કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક અવિરત થઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકનાં ભાદર ડેમમાં નવું ૦.૧૩ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૧૮.૮૦ ફુટે પહોંચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા ભાદરમાં નર્મદાનાં નીર પણ ઠાલવવાનું શરૂ કરવામાં આવશે જે વેરી તળાવ ઓવરફલો થતા હવે એકાદ દિવસમાં ભાદર ડેમમાં પહોંચી જશે. આ ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૩ ફુટ નવું પાણી આવ્યું છે. રાજાશાહી વખતનાં રાજકોટનાં લાલપરી તળાવમાં ૦.૨૬ ફુટ, મોરબી જિલ્લાનાં ડેમી-૧ ડેમમાં ૦.૩૯ ફુટ, જામનગર જિલ્લાનાં વાડસંગમાં ૪.૧૦ ફુટ, સુરેન્દ્રનગરનાં વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા)માં ૦.૧૦ ફુટ અને અમરેલી જિલ્લાનાં સાંકરોળી ડેમમાં નવું ૦.૨૦ ફુટ પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.