Abtak Media Google News
ગાઢ ધુમ્મસના કારણે ઠંડીના જોરમાં સામાન્ય વધારો: હજી કાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના

અબતક,રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષા થવા પામી હતી. વિઝિબિલિટી માત્ર 100 મીટર રહેવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટ નિર્ધારિત સમય કરતા એક કલાક મોડી આવી હતી. આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાંઆવી છે. ઝાકળના કારણે આજે ઠંડીનું જોર વધ્યું હતુ.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ ગઈકાલની સરખામણીએ આજે પારો અર્ધો ડીગ્રીથી વધુપટકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા નોંધાયું હતુ સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષા થવા પામી હતી. આજે સવારે રાજકોટમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી માત્ર 100 મીટર જ રહેવા પામી હતી 100 મીટર દૂરનું કશું જ દેખાતુ ન હતુ. ધુમ્મસના કારણે દિલ્હીથી રાજકોટઆવતી ફલાઈટ નિર્ધારીત સમય કરતા એક કલાક મોડી આવી હતી. આ ફલાઈટ વાતાવરણ કિલયર થતા બાદ જ દિલ્હીથી રાજકોટ આપવા માટે રવાના થઈ હતી. આવતીકાલે પણ હજી ઝાકળવર્ષાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દિવસે પણ વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. શિયાળાની વિદાય વેળાએ છેલ્લા ત્રણ દિવસથી સતત ઝાકળ વર્ષાના કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે. મોડીરાતે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. ગરબી સામે રક્ષણ મેળવવા પંખા અને એસી ચાલુ રાખવા પડે છે. હજી એકાદ પખવાડીયું મીશ્ર ઋતુનો અનુભવ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.