Abtak Media Google News

ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ રાજયનાં ગૃહમંત્રીને પત્ર લખ્યો

જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખીને જામનગરના ટ્રાફિક ડ્રાઈવના નામે જોહુકમી અને અપમાનજનક ઝુંબેશ બંધ કરાવવા પત્ર લખીને રજૂઆત કરી છે. ધારાસભ્યે લખ્યું છે કે, બિહાર-યુ.પી.ને સરમાવે તેવી ગુન્હાખોરી આચરાઈ રહી છે, તેને અટકાવવા પ્રાથમિક્તા આપવી જોઈએ.

Advertisement

જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ જામનગરના ટ્રાફિક ડ્રાઈવના નામે ચાલતી જાહુકમી અને અપમાનજનક ઝુંબેશ બંધ કરાવવા રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક ડ્રાઈવના નામે જનતા પર પોલીસ તંત્ર દ્વારા રીતસરની જોહુકમી પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કાયદો તોડતા, અપરાધ કરતા અને કાનૂની રીતે ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારા લોકોનું બચાવ કરવાનો અહીં હેતુ નથી, પરંતુ સીધા-સાદા લોકો જે ટ્રાફિકના નિયમને તોડવા માંગતા નથી અને તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓનો પણ સમાવેશ છે.

તેમને ચોકે-ચોકે કનડવાની જે પ્રક્રિયા ચાલી રહી છે તેનો સ્વાભાવિક રીતે વિરોધ અહીં નોંધાવવામાં આવી રહ્યો છે અને પોલીસ તંત્રને એ દિશા દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે જ્યાં વાસ્તવમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાય છે જ્યાં અપરાધીઓ બેખૌફ રીતે ગુન્હો આચરે છે. તાજેતરમાં જ એવી કેટલીક ઘટનાઓ બની છે જેનાથી જામનગર શહેર-જિલ્લામાં પોલસ તંત્રની ધાક નામશેષ થઈ ગઈ હોવાનું તંત્રએ મહેસુસ કર્યું છે. મીડિયાએ ટકોર કરી છે.

એ દિશામાં કામ કરવાના બદલે પોલીસ તંત્ર ખોટા ટ્રેક પર હોય એવું લાગી રહ્યું છે.સવાર પડે અને અત્યારે આખેઆખા પોલીસ તંત્રને જ્યારે ટ્રાફિકનું જ કામ હોય એ રીતે વહેલી સવારથી સ્કૂલ-ટ્યુશને જતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ જરૂરી કામ લઈને નીકળતી મહિલાઓ સહિતના તમામને ઝપટે લેવામાં આવી રહ્યા છે.

ઘણાં સ્થળે વિવેક પણ ચૂકવવામાં આવી રહ્યો છે. જાણે વાહનચાલક મોટો અપરાધી હોય એ રીતે ’સાઈડમાં રાખ, સાઈડમાં રાખ…’ એવા અવિવેકી સંવાદો પણ કહેવામાં આવતા હોવાની ફરિયાદ શહેરીજનોમાંથી ઊઠી રહી છે.

પોલીસ તંત્રનું પહેલું અને મુખ્ય કામ કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાનું છે. આ દિશામાં નજર કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓમાં યુ.પી.-બિહારને શરમાવે એવા અપરાધો જામનગર શહેરમાં ખુલ્લેઆમ થયા છે. સરાજાહેર હત્યાઓ થઈ છે, હુમલાઓ થયા છે, ચોરી અને લૂંટફાટ તો જાણે રોજીંદા બની ગયા હોય એવી સ્થિતિ છે. દારૂ ઉપર કોઈ કંટ્રોલ નથી. ક્યાંથી આવે છે, કોણ વેંચે છે એ સમજાતું નથી. કારણ કે માંગો એ બ્રાન્ડની દારૂ શહેરમાં ઉપલબ્ધ છે, અને છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુન્હાખોરી ફાટીને ધૂમાડે ગઈ છે. પોલીસ તંત્રનો કોઈ ડર કે ખૌફ અપરાધીઓ ઉપર રહ્યો નથી.

ઘણાં કિસ્સાઓમાં એવું જોવા મળી રહ્યું છે કે, ટ્રાફિકના નિયમોને લઈને પણ જે કાનૂની મર્યાદાઓ છે તેને ઓળંગીને પગલાં લેવામાં આવ્યા છે. વાહનો પરથી ડાર્ક ફિલ્મો ઉતારાવની પ્રક્રિયાનો પણ આ ઝુંબેશમાં સમાવેશ છે, પરંતુ જાણકારોના કહેવા મુજબ જે તે વાહન માલિકની કારની ડાર્ક ફિલ્મ પકડતાની સાથે પહેલી જ વારમાં ઉતારી શકાતી નથી? કાનૂની નોટીસ આપ્યા પછી અપાયેલી મહેતલમાં જો ફિલ્મ ઉતારવામાં ન આવે તો તેની સામે ડાર્ક ફિલ્મ ઉતારવાના પગલાં લઈ શકાય, પહેલા જ પોતાના હાથે ફિલ્મ ઉતારી લેવી એ કદાચ કાનૂની પ્રક્રિયાનો પૂરેપૂરો અમલ નથી.

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવની સૌથી ગંભીર સાઈડ એ છે કે, સ્કૂલ, કોલેજ, ટ્યુશને જતી યુવતીઓ અને ઘરના મહત્ત્વના કામ લઈને નીકળતી મહિલાઓ સામે મોટા પ્રમાણમાં પગલાં લેવામાં આવી રહ્યા છે, અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ઘણાં કિસ્સાઓમાં યુવતીઓ તથા મહિલાઓ સાથે વિવેકપૂર્ણ વ્યવહાર થયો નથી. કોઈ મહિલા પોતાના પતિને ફોન કરવાનું કહે તો પણ ફોન કરવા દેવામાં આવતો નથી.

આવા કિસ્સાઓ પણ બની રહ્યા છે. જે અતિરેક દેખાડે છે. ટ્રાફિક માટેની કાર્યવાહી થવી જોઈએ એમાં ના નહીં… પરંતુ હાઈડોઝ આપવાના બદલે સરપ્રાઈઝ રીતે અમુક દિવસોએ ચેકીંગ થાય તો ટ્રાફિકના નિયમ તોડનારાઓ સામે યોગ્ય પગલાં પણ લઈ શકાશે.

પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સવાલ તો કાયદો-વ્યવસ્થાનો છે, જેની જાળવણી કરવાની મુખ્ય જવાબદારી પોલીસ તંત્ર પર છે અને નજીકના ભૂતકાળમાં સરાજાહેર હત્યા સહિતના થોકબંધ અણઉકેલ અપરાધો પડ્યા છે, તેના ડિટેક્શન પાછળ પોલીસે વાસ્તવમાં આટલી મહેનત કરવી જોઈએ અને સમાજને શાંતિ તથા સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

ધારાસભ્યે એલ્ટીમેટમ આપતા લખ્યું છે કે જો પોલીસ તંત્ર શહેરીજનો પર ખૌફ પેદા કરતી આ ટ્રાફિક ડ્રાઈવ નામની ઝુંબેશ ચાલુ જ રાખશે તો ના છૂટકે અમારે લોકોના હિત ખાતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને ત્યારે જે સ્થિતિ થશે તેની પણ જવાબદાર પોલીસ જ રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.