Abtak Media Google News

ગ્લાસગોમાં કોપ 26 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે જાહેર કર્યા ભારતના નવા લક્ષ્ય

અબતક, નવી દિલ્હી : જેમ આપણી સંસ્કૃતિમાં પંચામૃતનું અનેરું મહત્વ છે. તેમજ ક્લાઈમેટ ચેન્જ બાબતે પણ ભારે મહત્વતા ધરાવતા પંચામૃત રૂપી પાંચ સૂત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા છે. અને હવે આ પાંચ સૂત્રો થકી મોદીએ 2070 સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાનો લક્ષ્ય પણ જાહેર કર્યો છે.

ગ્લાસગોમાં કોપ 26 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જેણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાં નિર્ધારિત લક્ષ્યોને અક્ષર અને ભાવનાથી પ્રાપ્ત કર્યા છે કારણ કે 2015ની બેઠક માત્ર એક સમિટ ન હતી, પરંતુ પ્રતિબદ્ધતા હતી.

પીએમ મોદીએ કહ્યું- “કલાઈમેટ ચેન્જ ઘણા વિકાસશીલ દેશોના અસ્તિત્વ માટે મોટો ખતરો છે. આપણે વિશ્વને બચાવવા માટે મોટા પગલા ભરવા જોઈએ. આ સમયની જરૂરિયાત છે અને તે આ પ્લેટફોર્મની પ્રાસંગિકતા સાબિત કરશે. મને આશા છે કે ગ્લાસગોમાં લીધેલા નિર્ણયો આપણી આગામી પેઢીઓનું ભવિષ્ય બચાવશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત જળવાયુ પરિવર્તન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યુએનના કોપ26 ક્લાઈમેટ સમિટમાં રાષ્ટ્રીય નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે, “મારા માટે પેરિસ ઈવેન્ટ સમિટ ન હતી, પરંતુ એક ભાવના, પ્રતિબદ્ધતા હતી અને ભારત વિશ્વને વચનો આપી રહ્યું ન હતું. તેના બદલે, 125 કરોડ ભારતીયો પોતાને વચનો આપી રહ્યા હતા.મને ખુશી છે કે ભારત જેવો વિકાસશીલ દેશ કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે આજે વિશ્વએ સ્વીકાર્યું છે કે જીવનશૈલી ક્લાયમેટ ચેન્જમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને વિશ્વના નેતાઓને એક શબ્દ ચળવળનો પ્રસ્તાવ મૂક્યો છે. “શબ્દ લાઈફ છે જેનો અર્થ પર્યાવરણ માટે જીવનશૈલી છે. આજે જરૂરિયાત એ છે કે આપણે બધા એક સાથે આવીએ અને જીવનને એક ચળવળ તરીકે જીવીએ.”

મોદીએ જાહેર કરેલા પંચામૃત રૂપી પાચ સુત્રો

  • 2030 સુધીમાં ભારત તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના 500 GW સુધી પહોંચી જશે
  • ભારત 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે
  • ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે
  • 2030 સુધીમાં, ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા ઘટાડીને 45 ટકાથી ઓછી કરશે
  • વર્ષ 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરશે

ક્લાયમેન્ટ ક્રાઇસિસનું વધતું જોખમ, ભારત આ પ્રશ્નને નિવારવા મહત્વનો ભાગ ભજવશે

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ એટલે કે યુએનએફસીસીસીની 26મી કોન્ફરન્સ ગ્લાસગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાઇ રહી છે. આ કોન્ફરન્સમાં 197 પક્ષો ભાગ લઈ રહ્યા છે. કોપ26માં વિવિધ દેશો ક્લાયમેન્ટ ક્રાઇસીસ વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

આ વખતે આ બેઠકમાં બિન-રાજકીય સંસ્થાઓ કે વ્યક્તિઓ જેમ કે બિઝનેસ, એનજીઓ અને થિંક-ટેન્ક દ્વારા પણ નોંધપાત્ર ભાગીદારી જોવા મળી રહી છે.  રોગચાળાને કારણે COP26 એક વર્ષથી વધુ વિલંબિત થયો હતો.  યુનાઇટેડ કિંગડમ એટલે કે કોપ26 ના વર્તમાન પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત તૈયારીઓને કારણે તે ઝૂમ વિડિયોને બદલે રૂબરૂમાં રાખવામાં આવી રહી છે.

ક્લાયમેન્ટ ક્રાઇસિસ સમગ્ર વિશ્વ માટે મોટું જોખમ ઉભું કરી રહ્યું છે. ત્યારે હવે ભારત આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં મહત્વનો ભાગ ભજવશે તેવી આશા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.