Abtak Media Google News

જી 20 બાદ હવે આજથી પી 20 ઇવેન્ટનું દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દુનિયા ભરના સાંસદો આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે આ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું છે. ઇવેન્ટમાં સુરક્ષા, એકતા અને પર્યાવરણને લઈને મહત્વની બેઠકો થવાની છે.

આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં જી20ની 9મી સંસદીય અધ્યક્ષ સમિટ એટલે કે પી20નું ઉદ્ઘાટન થયું છે. પી 20નું આયોજન યશોભૂમિમાં કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં જી-20 દેશોની સંસદના સ્પીકર ભાગ લીધો છે. આ સમીટની થીમ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર માટે સંસદ છે.

વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર માટે સંસદ છે થીમ ઉપર દિલ્હી ખાતે સમિટનું આયોજન : સુરક્ષા, એકતા અને પર્યાવરણને લઈને થશે મહત્વની બેઠકો

આજથી પી 20 સમિટ શરૂ થઈ ગઈ છે.  મુખ્ય કાર્યક્રમ આજે 13મી ઓક્ટોબર અને 14મી ઓક્ટોબરે છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફની થીમ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સની મુખ્ય થીમ પાર્લામેન્ટ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર રાખવામાં આવી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં સમિટ માટે તમામ કામગીરી કરવામાં આવી છે.

પી 20 પહેલા, ભારતે સપ્ટેમ્બરમાં જી -20 સમિટનું આયોજન કર્યું હતું. 9-10 સપ્ટેમ્બર ચાલેલી આ સમિટમાં વિશ્વભરના નેતાઓ એકબીજાને મળ્યા હતા તેમજ વિશ્વના વિકાસથી લઈને અર્થતંત્ર પર ચર્ચા કરી હતી. તેનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમિટમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદને લઈને પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જી 20 કોન્ફરન્સના મેનિફેસ્ટો માટે તમામ દેશો સંમત થયા હતા. આ સિવાય ભારતે તમામ દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે આ જી -20 કોન્ફરન્સથી અપેક્ષાઓ વધી છે. આ સંસ્થા સૌથી જટિલ સમસ્યાઓ પણ ઉકેલી શકે છે.

તણાવને પગલે કેનેડા સેનેટના સ્પીકરે ભાગ ન લીધો

પી 20માં અનેક નેતાઓ ભાગ લઈ રહ્યા છે તેમજ તાજેતરના સમયમાં ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદને ધ્યાનમાં રાખીને, કેનેડા સેનેટના સ્પીકર રેમન્ડ ગેગ્ને એ પોતાને પી 20 મીટિંગથી દૂર રાખ્યા છે. જો કે ગયા અઠવાડિયે લોકસભા અધ્યક્ષે સમિટમાં ભાગ લેવાની વાત કરી હતી, પરંતુ કેનેડા-ભારત વિવાદ વચ્ચે તેમણે દિલ્હી નહીં આવવાનો નિર્ણય લીધો છે.

ઇવેન્ટમાં 25 સ્પીકર, 10 ડેપ્યુટી સ્પીકર અને 50 સાંસદો જોડાયા

આ બે દિવસીય વૈશ્વિક કાર્યક્રમમાં 25 સ્પીકર, 10 ડેપ્યુટી સ્પીકર અને સભ્ય દેશોની સંસદના 50 સભ્યોએ ભાગ લીધો છે.  આફ્રિકન સંસદના પ્રતિનિધિઓ પણ પહેલીવાર ભારતમાં પી-20 ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પી-20 કોન્ફરન્સ પહેલા ગઈકાલે ગુરુવારે યસોભૂમિમાં પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી પર સંસદીય મંચની બેઠક યોજાઈ હતી.  બેઠકમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને તેની અસરો માનવજાતના સામાન્ય ભવિષ્ય સાથે જોડાયેલી છે. તેને લઈને આ ઇવેન્ટ ખૂબ મહત્વની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.