Abtak Media Google News
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા ફરી, મોરબી ખાતે જનસભા પણ યોજાઈ : વાંકાનેરમાં નારેબાજી કરીને લોકોએ કેન્દ્રીયમંત્રી સામે સાંસદની પટકી પાડી નાખી

ટંકારા તાલુકાથી પ્રારંભ થયેલી મોરબી જિલ્લાની ગૌરવ યાત્રા વાંકાનેર સહિતના વિસ્તારમાં ફરી હતી. જ્યાં સાંસદ મોહન કુંડારિયા હાય…હાય…ના નારા લાગ્યા હતા. જેને કારણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની સામે સાંસદની પટકી પડી ગઈ હતી.

વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે, આ યાત્રા વાંકાનેરમાં પહોંચી ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. ગૌરવ યાત્રા વાંકાનેર પહોંચતા સાંસદ મોહનભાઈ કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. તે ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં સાંસદ વિરૂદ્ધ નારેબાજી થતાં નેતાઓના મોંઢા ઉતરી ગયા હતા.બાદમાં આ યાત્રા મોરબી પહોંચી હતી.જ્યાં નગર દરવાજા ખાતે જનસભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મોરબી બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી, સાથે જ મોરબીની જનતાએ પાલિકામાં બાવને બાવન બેઠક ભાજપને ભેટ ધરી હોય અહીં ડબલ નહીં ત્રિપલ એન્જીન વાળી સરકાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

Img 20221015 Wa0023

આ યાત્રામાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા,પૂર્વ મંત્રી ચીમન સાપરીયા, પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નેતાઓની કાર રોકી મહિલાઓની પાણી પ્રશ્ને કરી રજુઆત

ભાજપની ગૌરવ યાત્રાનો કાફલો મહેન્દ્રનગર ચોકડી પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિક ખાનગી ટાઉનશિપની મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને બેડા સાથે રસ્તા ઉપર આવીને ભાજપના નેતાઓની ગાડી અટકાવી પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી. ટાઉનશિપમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું ન હોવાથી રોજ રોજની પાણીની હદમારીથી કંટાળી ગયેલી મહિલાઓ વિફરી હતી.

વાંકાનેરમાં રથનો રૂટ ઓચિંતો ફર્યો, 500 બહેનો સ્વાગત માટે રાહ જોતી રહી!

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રા રથને અન્ય માર્ગ પર ડાઈવર્ટ કરી દેવાતા સ્વાગત કરવા માથે બેડા લઈ ઉભેલા 500 થી વધુ બહેનો નિ:રાશ થઈને પરત ફરી હતી. ફળેસ્વર મંદિરનાં મુખ્ય રાજ માર્ગ પર બે કલાકથી ધોમ ધખતા તાપમાં 500 થી વધુ બહેનો રથનાં સ્વાગત માટે ઊભા હતાં. પૂર્વ નગરપતિ જીતુ ભાઈ સોમાણી દ્વારા આ  સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી હોય રાજકીય હરીફોનાં ઇશારે રથ ને અન્ય માર્ગ પર ડાઈવર્ટ કરી દેવાયાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.