Abtak Media Google News
  • મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર: પ્રૌઢને પોલીસ પ્રાઇવેટ ગાડીમાં પોલીસ મથકને બદલે અવાવરૂ સ્થળ પર લઈ જતા અનેક સવાલો ઉઠ્યા: રાજકોટ
  • સિવિલ હોસ્પિટલમાં અગ્રણીઓ અને લોકોના ટોળે -ટોળા ઉમટ્યા

મૂળી તાલુકાના સરલા ગામે પુત્રએ કરેલા પ્રેમલગ્ન મામલે પૂછતાછમાં આવેલી જામખંભાળિયાની પોલીસ પ્રૌઢને અવાવરૂ સ્થળ પર લઈ જઈ પૂછતાછ દરમિયાન પ્રૌઢનું મોત નીપજતાં અનેક સવાલો ઉદભવ્યા છે  ઘટનાના પગલે પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વાત વાયુ વેગે ફેલાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગ્રણીઓ અને લોકોના ટોળે – ટોળા ઉમટી પડ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા દેવજીભાઈ જેસીગભાઈ બાવળીયાનાં પુત્ર અમિતને જામખંભાળીયાના કલ્યાણપુર ગામે રહેતી પરણિતા સાથે પ્રેમસંબધ બંધાતા બન્ને જણા થોડા દિવસ પહેલા ભાગી છૂટ્યા હતા. જેથી યુવતીનાં સગાએ ફરિયાદ કરતા જામખંભાળિયા પોલીસ દ્વારા ગુરુવારે વહેલી સવારે અમિતનાં પિતા દેવજીભાઇ બાવળીયા તેમજ તેનાં મિત્ર દિપકભાઇને ગાડીમાં બેસાડી દુધઇ વાડીમાં તેમજ સરલા ગામે કારખાનામાં લઇ જઇ માનસિક રીતે હેરાન પરેશાન કરતા બન્ને જણા હતપ્રત બની ગયા હતા.બાદમાં કોઇ કારણસર દેવજીભાઇનું મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી અને સ્થાનિક સરપંચ રાજુભાઇ મટુડીયા સહિત સગાવ્હાલા હોસ્પિટલ દોડી ગયા અને મૃતદેહનો પેનલમાં પીએમ કરવાની માંગ કરી હતી.

મૃતકના પુત્ર સંજયભાઈએ જણાવ્યું કે, પિતાજીને કોઇ બિમારી હતી નહી. સવારે 4 શખ્સ પોલીસની ઓળખ આપી પ્રાઇવેટ ગાડીમાં લઇ ગયા હતા. સાંજે મને ફોન આવ્યો કે તારા પિતાજીનુ મોત થયું છે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય, પીએમ પેનલમાં કરાય તેવી માગ છે. જે બાબતે પરિવારજનોએ પેનલ પીએમની માંગ કરી જવાબદાર લોકોબ્સમે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ઘટનાની વાત વાયુવેગે ફેલાતા સમાજના અગ્રણીઓ અને લોકો ઉમટી પડ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ન્યાયની માંગ સાથે બેઠેલા આગેવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

મૂળી તાલુકાના સરલા ગામે પોલીસે પુત્રના પ્રેમલગ્નની બાબતે પિતાને પૂછતાછ માટે બોલાવી ગયા બાદ પ્રૌઢને મૃત હાલતમાં ઘરે પરત મૂકી જતા સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. જેમાં પ્રૌઢના મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પરિવારજનોએ પેનલ પીએમની માંગણી હતી, જેથી પ્રૌઢના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

જ્યાં ઘટનાની જાણ થતાં કોળી સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ન્યાયની માંગ સાથે ધરણાં કર્યા હતાં. તે દરમિયાન મૃતક દેવજીભાઇ બાવળીયાના પરિવારને ન્યાય મળે તે માટે કોળી સમાજના આગેવાન અને માંધાંતા સંગઠન પ્રમુખ ભૂપતભાઇ ડાભીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ધરણાં કરવા બેઠેલા આગેવાનોમાંથી ભૂપતભાઇ ડાભીએ એકાએક કેરોસીનનું ડબલું ઉઠાવીને પોતાનો પર છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં ઉ5સ્થિત પોલીસ અને સમાજના આગેવાનોએ તુરંત ડબલું ઝટવી લઇને આત્મવિલોપન કરતાં અટકાવ્યા હતાં. પોલીસ અને આગેવાનોએ ભૂપતભાઇ ડાભીને આત્મવિલોપન કરતા અટકાવી વાતાઘાટ કરીને મામલો થાળે પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.