Abtak Media Google News

ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી જ ભાવ વધારો અમલી બનાવાયો ; યુનિટ દીઠ ભાવમાં રૂ.૧.૧૪ થી લઈ રૂ.૨.૫૦ સુધી વધારો ઝીંકતા દૈનિક કરોડોનો વધારાનો બોજ

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને વધુ એક ફટકો પડયો છે.ગુજરાત ગેસ કંપની દ્વારા રાતો-રાત આજથી પાઇપલાઇન ગેસના ભાવમાં  અલગ-અલગ સેગમેન્ટમાં રૂપિયા ૧.૧૪ થી લઈ ૨.૫૦ સુધીનો યુનિટ દીઠ ભાવ વધારો ઝીકી દેતા મોરબીના સીરામીક ઉદ્યોગ પર દૈનિક રૂપિયા ૮૨૫૦૦૦૦ નો વધારાનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી ગુજરાત ગેસ કંપની દ્વારા રાતો-રાત મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવતા પાઈપલાઈન ગેસના ભાવમાં રૂપિયા ૧.૧૪ પૈસા થી લઈ રૂપિયા ૨.૫૦ નો ભાવ વધારો કર્યો છે જેના પર ટેક્સના અલગથી ૦.૨૫ પૈસા ગણતા આ રાતોરાત ઝીકાયેલો ભાવ વધારો સીરામીક ઇન્ડસ્ટ્રીઝને ૨.૭૫ પૈસાથી વધુ નો વધારાનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

આ રાતો-રાત ઝીકાયેલ ભાવ વધારા અંગે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે આ ભાવ વધારો અસહ્ય છે જો ગુજરાત ગેસ કંપનીએ ભાવ વધારો કરવો જ હોય તો ઉદ્યોગકારોને એક મહિના અગાઉ જાણ કરવી જોઈએ જેથી તૈયાર પ્રોડક્ટના ભાવમાં વધારો કરી શકીએ, હાલમાં તમામ ઉદ્યોગકારો પાસે મોટા-મોટા પેન્ડિગ ઓર્ડરો પડ્યા હોય તેમાં નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે હાલમાં મીરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માં દૈનિક ૩૦ લાખ ક્યુબીક મિટર ગેસનો દૈનિક વપરાશ છે તે જોતા આ ઉદ્યોગ પર દરરોજનો વધારાનો ૮૨ લાખ ૫૦ હજારનો બોઝ પડ્યો છે અને આ આંકડો મહિને ૩૦ કરોડથી પણ વધુ થાય.

આમ, ગુજરાત ગેસ કંપની દ્વારા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ પર રાતો-રાત ગેસના ભાવ વધારાનો અસહ્ય ઝાટકો આપવામાં આવતા ઉદ્યોગકારો ચોકી ઉઠ્યા છે અને આ મામલે સરકારમાં રજુઆત કરવા તૈયારી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.