Abtak Media Google News

બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા એક બેંક ખાતુ ખોલાવી પોલિસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ફંડ ઉભુ કરાશે

પોલીસ દયાહીન હોય છે, પોલીસ અસભ્ય વર્તન કરતી હોય છે તેમજ હપ્તાખોરી સહિતના આક્ષેપો પોલીસ પર થતા હોય છે જોકે પોલીસ પણ આખરે તો માણસ જ છે જેની અંદરની માણસાઈ હજુ મરી નથી તેવા અનેક ઉદાહરણો મળતા હોય છે તો મોરબી પોલીસે આદર્શ ઉદારહણ પૂરું પાડ્યું છે જેમાં દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાને બાળક હોય જે બાળકને પોલીસે દત્તક લઈને અભ્યાસથી લઈને તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ પ્રોબેશન એસપી અભિષેક ગુપ્તા, ડીવાયએસપી મુનાફખાન પઠાણ તેમજ જીલ્લાના પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જીલ્લા એસપીએ પત્રકાર પરિષદમાં પોલીસના માનવતાવાદી અભિગમ વિશે માહિતી આપી હતી જેમાં તાજેતરમાં હળવદમાં મહિલા સાથે દુષ્કર્મ અને બાદમાં વિડીયો વાયરલનો જે બનાવ બન્યો હતો જે બનાવ બાદ ભોગ બનનાર મહિલાને એક બાળક હોય જેના ભવિષ્યની ચિંતા કરીને મોરબી જીલ્લા પોલીસે બાળકને દત્તક લેવાનો નિર્ણય કરીને બાળકના ભવિષ્યની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે.

જે અંગે જીલ્લા એસપીએ જણાવ્યું હતું કે હળવદમાં દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે ભોગ બનનાર મહિલાને અંદાજીત ૦૪ વર્ષનું બાળક હોય ત્યારે બાળકનું ભવિષ્ય શું તેવો વિચાર આવ્યો હતો અને જીલ્લા એસપીએ રેંજ આઈજી સંદીપસિંહ સાથે ચર્ચા કરી માર્ગદર્શન હેઠળ બાળકને દત્તક લેવાનો આવકારદાયક નિર્ણય કર્યો હતો જે બાળક અને ભોગ બનનારને હાલ સંસ્થા ખાતે રાખવામાં આવ્યા છે તો બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા શું આયોજન કરાયું છે તેવા સવાલના જવાબમાં એસપીએ જણાવ્યું હતું કે એક બેંક ખાતું ખોલાવી જે કોઈ પોલીસ અધિકારી અને કર્મચારી સ્વેચ્છાએ રકમ આપે તે રીતે ફંડ ઉભું કરાશે.

હાલ બાળક માટે શિક્ષણ સૌથી વધુ જરૂરી હોય જેથી સારી શાળામાં તેને એડમીશન અપાવી શિક્ષણ સારું મળે તેવું આયોજન કરાયું છે તેમજ સમય મુજબ તેની જરૂરિયાતો સંતોષી તેને સારો ઉછેર અને યોગ્ય કાળજી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.