Abtak Media Google News

ક્રિટિકલ ડાયાલીસીસ માટેના અત્યાધુનિક મશીનો ધરાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર સિવિલ હોસ્પિટલ

હું છે ને હે આખો દિવસ …. અ..મ…. બાલવીર જોઉં, કેક બનાવવાની રેસીપી જોંઉ છું મને કેક ખાવી ખુબ જ ગમે છે પણ મમ્મી અને ડોક્ટર ના પાડે છે. તમને ખબર છે કે મારી ફેવરીટ સીરીયલ છે ને હે, તારક મહેતા છે. મારે મોટા થઈને ટીચર બનવું છે કારણ કે ટીચર બનવાથી નાના નાના બાળકો આપણને ખુબ જ પ્રેમ કરે આ શબ્દો  છે ૧૨ વર્ષીય જીયા સોજીત્રાના …. જેની બંને કીડની ફેઈલ હોવાના કારણે  છેલ્લા બે વર્ષથી અઠવાડીયામાં ત્રણ વાર રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસની પિડા હસતા મોઢે સહન કરીને અન્ય દર્દીઓને જીવન જીવવાનું એક પ્રેરક બળ પુરૂ પાડે છે.

Advertisement

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. કિડનીના દર્દીઓમાં ક્રોનિક રીનલ ફેઈલરના કારણે તેના શરીરમાં ક્રીએટીનનું પ્રમાણ વધે છે, જેના લીધે દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલીસીસ કરાવવું જરૂરી હોઈ છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને લીધે બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ માં અમૃતમ કાર્ડ ધારકો નિ:શુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે.  સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો. મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા યુવા અને ઉત્સાહી ઈન્ચાર્જ ટેકનિશ્યન ક્રિષ્ના કાછડીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પી.એમ. એસ. એસ. વાય) માં ૨૪ કલાક રાઉન્ડ ઘી ક્લોક ખાસ ડાયાલીસીસ વિભાગ શરુ કરાયો છે.

હાલમાં ડાયાલીસીસ વિભાગમાં રોજના ૫૫ જેટલા ડાયાલીસીસ નિ:શુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી. (ક્ધટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીનની નિશુલ્ક સુવિધા પુરી પાડી રહ્યું છે જે એક ગૌરવની વાત છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ અને બીપી મોનીટરીંગની સિસ્ટમ ધરાવતા મશીનો દ્વારા ૨૪ કલાક ૩૬૫ દિવસ ડાયાલીસીસની સેવા તદ્દન નિશુલ્કપણે આપવામાં આવે છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. ૧૦ હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલીસીસ કીટ તથા તેની પ્રોસિજર અત્રે વિના મુલ્યે આપવામાં આવે છે. પ્રતિમાસ એચ.આઇ.વીના ૨૦ જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. ઈમરજન્સીના કેસમાં ઈન્ડોર તથા બહારના દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવે છે. શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ ૧૦૦૦૦ ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેક્શનની સુવિધા વીનામુલ્યે આપવામાં આવે છે. ડાયાલીસીસના દર્દીઓ માટે જર્મન ટેકનોલોજીની બનાવટનો વર્લ્ડ ક્લાસ આર.ઓ. વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ કોવિડ-૧૯ના દર્દીઓ માટે અલગ આર.ઓ. વોટર સિસ્ટમની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત, દરેક દર્દીના બેડ પાસે એક નર્સિંગ કોલબેલની સુવિધા ઉપલબ્ધ છે. દર્દી એકવાર પણ બેલ વગાડે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં ફરજ પરના નર્સ દર્દી પાસે પહોંચી જાય છે અને દર્દીની જરૂરીયાત મુજબની મદદ કે સારવાર આપવામાં આવે છે. કિડનીના દર્દીઓની સારવાર માટે નેફ્રોલોજીસ્ટ ડો. મયુર મકાસણા દર બુધવારે અને શનિવારે ખાસ સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.