Abtak Media Google News

રેલનગર સિવાયના તમામ બ્રિજ ખોલી નખાયા: બે દિવસ વકિલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

રાજકોટમાં મધરાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાવવાના કારણે 500થી વધુ લોકોનું નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મધરાતથી સલામતીના ભાગરૂપે તમામ અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે, વરસાદે વિરામ લેતાની સાથે રેલનગર સિવાયના તમામ બ્રિજ હાલ વાહન ચાલકો માટે ખોલી નાખવામાં આવ્યા છે. દરમિયાન ભારે વરસાદના કારણે બાર એસોસિએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી વકીલો બે દિવસ અલીપ્ત રહેશે તેવી ઘોષણા કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. કોર્પોરેશન દ્વારા લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાંથી 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આરટીઓ નજીક માર્કેટીંગ યાર્ડ પાસે વરસાદી પાણીમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઠારીયા રોડ પર નંદા હોલ સર્કલ પાસે એક વ્યક્તિ વરસાદી પાણીમાં તળાઇ જતા તેની લાશ રામનાથપરા સ્મશાનની દિવાલ પાસેથી મળી આવી હતી. શહેરના અલગ-અલગ 12 વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જ્યારે એક સ્થળે મકાન પડ્યું હતું. વરસાદમાં આગ લાગવાનું પણ એક બનાવ બન્યો હતો. રાત્રે અનરાધાર વરસાદ તૂટી પડતાં સલામતીના ભાગરૂપે લક્ષ્મીનગર, મહિલા કોલેજ, રેલનગર અને આમ્રપાલી બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

જો કે, મેઘરાજાએ વિરામ લેતા ફરી રેલનગર સિવાયના તમામ બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યા છે. વરસાદી પાણી ભરાયાની ફરિયાદ ત્વરીત નિકાલ કરવામાં આવ્યો હતો. બપોરે બે કલાક મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી મંડાણ કર્યા છે. રાજકોટમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ એલર્ટ થઇ ગયો છે. નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.