Abtak Media Google News

રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદના કારણે શહેરની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક: મેઘરાજાએ જળસંકટ હળવું કરી દેતા હાશકારો: વિશાળ જળરાશી નિહાળવા લોકો ડેમ સાઈટ પર ઉમટયા

રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધરાતથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ પાંચેય જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. લાલપરી તળાવ ઓવર ફ્લો થઇ ગયું છે. જ્યારે ન્યારી-1, ન્યારી-2, આજી-1 અને ભાદર ડેમમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. બપોર સુધીમાં આજી ડેમમાં નવું પાંચ ફૂટ જ્યારે ન્યારી ડેમમાં પોણા બે ફૂટ પાણીની આવક થવા પામી છે. મેઘરાજાએ એક જ રાતમાં રાજકોટનું જળ સંકટ હળવું કરી દીધું છે.

ભાદરમાં પણ નજીવી આવક, આજી ડેમમાં નવું 222 એમસીએફટી અને ન્યારી ડેમમાં 90 એમસીએફટી પાણીની આવક: આજીમાં હજી ધોધમાર આવક ચાલુ હોય સાંજ સુધીમાં સપાટી 24 ફુટે પહોંચી જાય તેવી સંભાવના: ભાદરમાં 1130 કયુકેસનો ઈનફલો, આજીમાં 1201નો ઈનફલો

Img 20220712 Wa0015

આજે બપોર સુધીમાં આજી-1 ડેમમાં નવું 4.83 ફૂટ પાણી આવ્યું છે. 29 ફૂટની ઊંડાઇ ધરાવતા આજી ડેમની સપાટી 22.51 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 542 એમસીએફટી પાણી સંગ્રહિત છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમમાં નવું 222 એમસીએફટી પાણી આવ્યું છે. ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી ચાલે તેટલો જળ જથ્થો ડેમમાં સંગ્રહિત થઇ ગયો છે. ન્યારી-2 ડેમમાં પણ આજે બપોર સુધીમાં નવું 1.64 ફૂટ પાણીની આવક થવા પામી છે. 25.10 ફૂટે ઓવર ફ્લો થતા ન્યારી ડેમની સપાટી 16.56 ફૂટે પહોંચી જવા પામી છે અને હાલ ડેમમાં 552 એમસીએફટી પાણી સંગ્રહિત છે. નવું 90 એમસીએફટી પાણીની આવક થવા પામી છે. ડેમમાં 2489 ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે. ભાદર ડેમમાં પણ પાણીની નજીવી આવક થવા પામી છે.

હજુ આજી ડેમમાં ધોધમાર પાણીની આવક હોય સાંજ સુધીમાં ડેમની સપાટી 24 ફૂટે પહોંચી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. આજી અને ન્યારી ડેમમાં માતબર પાણીની આવક થવાના કારણે વિશાળ જળરાશિને નિહાળવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા. સૌની યોજના અંતર્ગત જેટલું પાણી પખવાડીયામાં પણ ન ઠલવાઇ તેટલું પાણી મેઘરાજાએ ગણતરી ની કલાકોમાં ડેમમાં ઠાલવી દીધું છે.

રાજકોટ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ

  • રાજકોટ શહેર ઉપરાંત જેતપુર, પડધરી, ઉપલેટા અને જસદણમાં વરસાદ

રાજકોટ જિલ્લામાં ગત મધરાતે અનરાધાર વરસાદ પડ્યો હતો. ઝાપટાથી લઇ આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે 6 થી 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયમાં રાજકોટ સિટીમાં 5॥ ઇંચ, કોટડા સાંગાણીમાં ફિ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુર અને પડધરીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ જિલ્લામાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. જિલ્લાના અનેક જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. શહેરની ભાગોળે આવેલું લાલપરી તળાવ પણ ઓવર ફ્લો થઇ ચુક્યું છે.

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 17,750 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 117.17 મીટરે પહોંચી જવા પામી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે નર્મદાના ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. મેઘરાજાએ મહેર કરતા જળ વૈભવ વધી રહ્યો છે.

કેબિનેટ બેઠક રદ્: પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં સતત એલર્ટ રહેવા આદેશ

દર મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળતી રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક આજે ભારે વરસાદના કારણે રદ્ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેવડિયા ખાતે ધારાસભ્યો અને સંસદ સભ્યોની જે બેઠક મળવાની હતી તે પણ રદ્ કરી દેવામાં આવી છે. આટલું નહિં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં સતત એલર્ટ રહેવા માટે મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય રાજ્યભરમાં વહિવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અથવા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.