Abtak Media Google News

છેલ્લા ચાર વર્ષમાં સતત ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો: આ વર્ષે આજ સુધીમાં રેકોર્ડબ્રેક ૧.૨૯ લાખ કરદાતાઓએ આંગળીના ટેરવે ચૂક્વ્યો ટેકસ

કોરોનાની મહામારીમાં ઓનલાઈનનું વર્ચસ્વ વધવા પામ્યું છે. મહાપાલિકામાં આજ સુધીમાં જેટલા કરદાતાઓએ પ્રોપર્ટી અને વોટર ટેકસ ભરપાઈ ર્ક્યો છે તે પૈકી ૫૮ ટકાથી વધુ લોકોએ એવા છે કે જે કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ખાવાના બદલે ઓનલાઈન વેરો ભરપાઈ કર્યો છે. છેલ્લા ૪ વર્ષથી સતત ઓનલાઈન ટેકસ પેયરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ટેકસના ટાર્ગેટને આ વખતે કોરોના નડી જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, નાણાકીય વર્ષના પાંચ મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્યારે ૨૬૦ કરોડના લક્ષ્યાંક સામે માંડ ૧૪૦ કરોડ સુધીની આવક થવા પામી છે. વર્ષ ૨૦૧૭થી મહાપાલિકા દ્વારા ઓનલાઈન વેરા સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને તેને વધુ સારો પ્રતિસાદ મળે તે માટે ઓનલાઈન ટેકસ ભરનારને ખાસ વળતર પણ આપવામાં આવતું હતું. ૨૦૧૭માં ૫૯૭૫૪ લોકોએ, ૨૦૧૮માં ૭૨૦૧૮ લોકોએ, ૨૦૧૯માં ૯૨૫૫૭ લોકોએ અને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૧,૨૮,૯૧૩ લોકોએ ઓનલાઈન ટેકસ ભરી કોર્પોરેશનની તિજોરીમાં ૬૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.

Advertisement

૨૦૨૦-૨૧ના બજેટમાં ટેકસ બ્રાંચને રૂા.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા બે માસ સુધીના લોકડાઉન અને ત્યારબાદ માર્કેટની પરિસ્થિતિના કારણે ટેકસની આવકમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે.

આ સુધીની વાત કરવામાં આવે તો ૨,૩૬,૪૪૯ કરદાતાઓએ ટેકસ પેટે કોર્પોરેશનની તિજોરીમાં રૂા.૧૩૯.૭૫ કરોડ જમા કરાવ્યા છે. ટાર્ગેટ પુરો કરવા માટે હજુ ૧૨૦ કરોડ રૂપિયાની આવશ્યકતા છે. ૫ મહિના બાકી રહ્યાં છે. રજાના દિવસોને બાદ કરવામાં આવે તો રોજ ૧ કરોડની વસુલાત થાય તો જ ટેકસનો ટાર્ગેટ પુરો થઈ શકે તેમ છે.

મોટાભાગનો સ્ટાફ કોરોનાલક્ષી કામગીરીમાં રોકાઈ ગયો હોવાના કારણે ટેકસ રીકવરીની કામગીરી પણ શરૂ થઈ શકી નથી. આવામાં હાલ ડિમાન્ડ નોટીસની બજવણી કરવામાં આવી રહી છે અને સંભવત: દિવાળી બાદ હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામા આવશે. પણ જે રીતે માર્કેટની સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે, ટેકસનો ટાર્ગેટ પુરો કરવો અઘરો નહીં પરંતુ અશક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.