Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ કચ્છના ક્રિક વિસ્તારમાં બે માસમાં પાંચ કરોડના નશીલા પદાર્થ ઘુસાડયા

સિરક્રિક વિસ્તારમાં સ્થાનિક શખ્સોએ ધાર્મિક સ્થળ બનાવી પ્રતિબંધિત વિસ્તારમાં દર્શન કરવાના બહાને જઇ ચરસ સગેવગે કરવામાં સંડોવણી

જખૌ મરીન અને સાગર સુરક્ષા દળની જુદી જુદી ચાર ટીમે બીનવારસી ચરસ કબ્જે કર્યુ

કચ્છના જખૌ પાસેના દરિયાય વિસ્તારમાં પાકિસ્તાની મચ્છીમારી કરતી બોટની મદદથી ચરસ જેવા માદક પદાર્થ ધુસાડવાના ચાલતા ખૌફનાક કાવતરાનો ગુજરાત એટીએસ, બીએસએફ બાદ આઇબી દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ માસમાં બે કરોડની કિંમતના ચરસનો જથ્થો જખૌના દરિયામાંથી રેઢો બીએસએફના સ્ટાફે ઝડપી લીધા બાદ આઇબીના સ્ટાફે વધુ રૂા.૨.૭૫ કરોડની કિંમતના ચરસના ૧૮૩ પેકેટ દરિયામાંથી રેઢા મળી આવતા કબ્જે કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા એજન્સી દ્વારા કરાયેલી છાનભીનમાં સીરક્રિક વિસ્તારમાં સ્થાનિક શખ્સો દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ધાર્મિક સ્થળ બનાવી દર્શન કરવાના બહાને જઇ ચરસનો જથ્થો સગેવગે કરતા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

યુવા પેઢીને બરબાદ કરવાના ખૌફનાક કાવતરા સાથે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા ચરસ જેવા માદક પદાર્થને દરિયાય માર્ગે ભારતમાં ઘુસડવામાં આવતું હોવાથી દરિયાય સુરક્ષા એજન્સી કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ., સ્થાનિક પોલીસ, અને આઇબી સહિતના સ્ટાફ સતર્ક બની કચ્છના જખૌ ખાતેના ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.

છેલ્લા બે માસમાં મચ્છી મારી કરતી બોટની મદદથી ચરસનો જથ્થો કચ્છના ક્રિક વિસ્તારમાં ઘુસાડતા હોવાથી કચ્છના દરિયામાં મચ્છી કરતા ચરસ વધુ મળતું હોય તેમ જણાય રહ્યું છે.

પાકિસ્તાનથી ચરસના જથ્થા સાથે આવેલી બોટમાં કરોડોની કિંમતનો ચરસનો જથ્થો હોવાથી એકાદ માસ પહેલાં સૌ પ્રથમ બીએસએફના જવાનોએ ૧૯ પેકેટ ચરસ દરિયામાંથી રેઢુ મળી આવ્યો હતુ. આઇબી દ્વારા અપાયેલા ઇનપુટને પુષ્ટી મળતા કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાના સઘન પેટ્રોલિંગ કરી વધુ રૂા.૨.૭૫ કરોડની કિંમતના ૧૮૩ પેકેટ ચરસ મળી આવતા કબ્જે કર્યુ હતું.

બીએસએફ, કોસ્ટ ગાર્ડ, એસઓજી, સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૭૨ પેકેટ ચરસ કબ્જે કર્યુ હતુ તે દરમિયાન આઇબીના સ્ટાફે રૂા.૬ લાખની કિંમતના ચાર પેકેટ ચરસ મળી આવતા કબ્જે કરવામાં આવ્યા બાદ ગઇકાલે જખૌ મરીન અને કોસ્ટ ગાર્ડના સ્ટાફે રૂા.૨.૭૫ કરોડની કિંમતનું ૧૮૩ પેકેટ ચરસ રેઢુ મળી આવ્યું છે.

જખૌ પાસેના ક્રિક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં વધુ પોણા ત્રણ કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીનો સ્ટાફ ચોકી ઉઠયો હતો. કચ્છના દરિયામાંથી મળી આવેલા ચરસનો જથ્થો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા ઘુસાડવામાં આવતો હોવાનું અને કચ્છની જમીન માર્ગે દેશના પૂર્વના રાજયમાં ચરસ લઇ જવામાં સ્થાનિક શખ્સોની સંડોવણીની શંકા સાથે સુરક્ષા એજન્સી દ્વારા છાનભીન શરૂ કરવામાં આવી છે. હજી સુધી આ અંગે ઠોસ વિગતો બહાર આવી નથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સ સાથે બોટ પકડાયા બાદ જ સ્થાનિક શખ્સોની સંડોવણી સુધી પહોચી શકાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા પાંચ-દસ પેકેટ રેઢા ફેંકી સુરક્ષા તંત્રને ધંધે લગાડી નસીલા પદાર્થનો મસમોટો જથ્થો ઘુસાડી દેવામાં આવતો હોવાની શંકા સાથે પણ સુરક્ષા એજન્સી સતર્ક બની તમામ શકયતાઓ પર તપાસ સઘન બનાવી છે.

જખૌ પાસેથી અડધા કરોડના ૩૪ ચરસના પેકેટ ઝડપાયા

જખૌ પાસે આજરોજ ફરી અડધા કરોડની કિંમતના ૩૪ ચરસનાં રેઢા પેકેટ મળી આવ્યા છે. છેલ્લા એક માસના સમયગાળામાં ક્ચ્છના જખૌ વિસ્તારમાંથી સાડા પાંચ કરોડની કિંમતના રેઢા ચરસના પેકેટ મળી આવ્યા છે. ઈન્ડિયા કોસ્ટ ગાર્ડ એ.સી.વી. કડીયારી બીટ ખાતેથી અડધા કરોડની કિંમતના વધુ ૩૪ ચરસના પેકેટ રેઢા મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. અગાઉ પણ ૧૭મી જૂનના જખૌ પાસેથી ૪ ચરસના પેકેટ મળી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.