Abtak Media Google News

જીવાત પાનનો રસ ચૂસી લેતી હોવાથી આંબાના મોર પીળા પડી જાય છે

સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આંબાના વૃક્ષમાં જીવાતનો જોરદાર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કેરીના ઉત્પાદન પર અસર પડે તેવી દહેશત ઉભી થવા પામી છે.હાલમાં સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓમાં પુષ્કળ પ્રમાણમાં થ્રીપ્સનાં ઉપદ્રવના જોવા મળી રહ્યા છે, ત્યારે  સૌરાષ્ટ્ર વિસ્તારમાં આંબામાં થ્રીપ્સના વ્યાપક ઉપદ્રવને નિયંત્રણમાં લેવા કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપાયો બતાવ્યા છે.

સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓમાં હાલમાં વાતાવરણની અસરને લીધે થ્રીપ્સનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળે છે. થ્રીપ્સના બચ્ચા તેમજ પુખ્ત કીટક આંબાના કુમળા પાન પર ઘસરકા કરી ઝરણ થયેલ રસ ચૂસી નુકશાન કરે છે. આ ઉપરાંત થ્રીપ્સનો ઉપદ્રવ આંબાના મોર પર પણ જોવા મળે છે. જેના લીધે મોર પીળો પડી સુકાય જાય છે. થ્રીપ્સના ઉપદ્રવની સીધી અસર કેરીના ઉત્પાદન પર જોવા મળે છે.

દરમિયાન જુનાગઢ કૃષિ યુનિ.નાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટક શાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી.એમ. જેઠવા દ્વારા આંબાના બગીચા ધરાવતા સર્વે ખેડૂતોને ભવિષ્યમાં મોટું નુકશાન થતું અટકાવવા થ્રીપ્સના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે થાયામીથોકઝામ 25 ડબ્લ્યુ.જી.- 0.1 ગ્રામ/લીટર, ડાયમીથોએટ 30 ઈ.સી.- 1.5-2.0 મિલી/લીટર, કાર્બોસ્લ્ફાન 25 ઈ.સી.- 1.5-2.0 મિલી/લીટર, ઈમિડાકલોપ્રીડ 17.8 એસ.એલ.- 0.4 મિલી/લીટર, ટોલફેનપાયરેડ 15 ઈ.સી.- 2.0 મિલી/લીટર, સ્પાયરોટેટ્રામેટ 11.01 + ઈમિડાક્લોપ્રીડ 11.01 એસ.સી.- 0.75 મિલી/લીટર દવાઓનો ક્રમઅનુસાર જરૂરિયાત મુજબ વારાફરતી આખું ઝાડ પલળી જાય તે રીતે છંટકાવ કરવા જણાવાયું છે.

તે ઉપરાંત જૈવિક ખેતી કરતા ખેડૂતો આંબામાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બસીયાના 1.15 ડબ્લ્યુ.પી. 5 ગ્રામ/લીટર અને વર્ટીસીલીયમ લેક્કાની 1.15 ડબ્લ્યુ.પી. 5 ગ્રામ/લીટર જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે. તેમ જુનાગઢ કૃષિ યુનિ.નાં નિષ્ણાંતોએ જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.