Abtak Media Google News

થોડા વરસાદમાં જ શાક માર્કેટમાં અસહ્ય ગંદકી વચ્ચે કાદવ કીચડની ગંદકી

મોરબીમાં થોડા અમસ્તા વરસાદ માં જ શાકમાર્કેટમાં અસહ્ય ગંદકી વચ્ચે કાદવ-કીચળ ની ગંદકી જમતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ગઈકાલે રાબડીરાજ માંથી મુક્તિ અપાવવા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી.

વર્ષોથી મોરબીનાં શાકમાર્કેટ તથા આજુબાજુની શેરીઓ વગર વરસાદે ગટરની ગંદકીમાં તરબોળ થઈ ગઈ છે. લાખો વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સફાઈ ન કરાવવામાં આવતા  શાકમાર્કેટમાં ગટરની ગંદકીએ પારાવાર હાલાકી સર્જી દીધી છે. વેપારીને વેપારધંધા કરવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વેપારીઓ પાલિકા કચેરીએ દોડી જઈને ગટર પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીનાં નગર દરવાજા પાસે આવેલી શાક માર્કેટમાં વર્ષોથી ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર તમાશો જોતું હોવાથી શાક માર્કેટમાં વર્ષોથી ગટર ઉભરાવાની ભયંકર સમસ્યા યથાવત રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણીએ ફરી વળતા હોવાથી વેપારીઓને દોજખ જેવી પરિસ્થિતિ માં વેપાર ધંધા કરવા પડે છે.

શાક માર્કેટના પાછળના ભાગે ગટર બંધ થઈ જવાથી ગટર ઉભરાઈને શાકમાર્કેટની બે શેરીઓમાં કાદવ-કીચળ ના તળાવ ભરાયા છે જેનાં કારણે શાકમાર્કેટનો પાછળનો વિસ્તાર વગર વરસાદે ગંદકીમાં ગરકાવ થઈ ગયો છે.આ બાબતે વેપારીઓ આજે પાલિકામાં મોરચો માડી ઉગ્ર રજૂઆત કરી હતી અને પાલિકા તંત્રએ પણ રાબેતા મુજબ ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.