Abtak Media Google News

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એ આજે સાંજે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ખાતે અર્પણ કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને મોટા પુત્ર આકાશ અંબાણીએ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આકાશ અંબાણીના લગ્ન હીરા ઉદ્યોગના મહારથી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે તા.9 માર્ચના રોજ મુંબઈ ખાતે થશે.

આકાશ અને શ્લોકાની સગાઈ 2018માં થઈ હતી. આ પ્રસંગના ભાગરૂપે બાદમાં મહેતા અને અંબાણી પરિવારે વિવિધ પાર્ટીઓ યોજી હતી. આકાશ અને શ્લોકાની સગાઈની પાર્ટી બાદ અંબાણી પરિવારે ઈશા અને આનંદના સગાઈની પાર્ટીનું આયોજન કર્યું હતું. બાદમાં ડિસેમ્બર 2018માં ઈશા અને આનંદનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે યોજાયું હતું. બાદમાં મુંબઈમાં વેડિંગ અને રિસેપ્શન પાર્ટી યોજાઈ હતી.

અગામી ફેબ્રુઆરી 23,24 અને 25ના રોજ આકાશ અંબાણીની બેચલર પાર્ટી સ્વિઝરલેન્ડના સેન્ટ મોરટીઝ ખાતે યોજાશે. આ પાર્ટીમાં આકાશના કેટલાક બોલિવુડના મિત્રો સહિત 500 મહેમાનો ઉપસ્થિત રહેવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર આકશનો અંગત મિત્ર છે. જયારે કરણ જોહર સાથે અંબાણી પરિવારને નજીકના સંબધો છે.

આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન તા.9 માર્ચના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે થશે. બાદમાં તા. 10 માર્ચે વેડિંગ સેલિબ્રેશન યોજાશે. જયારે રિસેપ્શન તા.11 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ શ્લોકાએ ન્યૂજર્સીના પ્રિસટન યુનિવસિર્ટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શ્લોકા રોઝી બ્લૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. તે કનેકટફોરની સહસ્થાપક પણ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.