Abtak Media Google News

પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નં.6માં ભાવનગર રોડ પર વ્હાઇટ ટોપીંગના કામ માટે રૂ.1.22 કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ: તમામ 43 દરખાસ્તોને બહાલી, રૂ.155 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

મહાનગરી મુંબઇ જેવા વેધરપ્રૂફ અને ટકાઉ એવા વ્હાઇટ ટોપીંગ સિસ્ટમથી રાજકોટના રાજમાર્ગોને પણ મઢવામાં આવશે. શહેરના વોર્ડ નં.6માં કોર્પોરેશનની ઇસ્ટ ઝોન ઓફિસ પાસે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર રોડ પર વ્હાઇટ ટોપીંગ કરવાના કામ માટે રૂ.1.22 કરોડનો ખર્ચ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. ખડી સમિતિની બેઠકમાં તમામ 43 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રૂ.155 કરોડના કામો મંજૂર કરાયા છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વાતાવરણની અસરથી રોડને નુકશાન ન થાય તે માટે મુંબઇ અને કલકત્તા જેવા મોટા શહેરોમાં વ્હાઇટ ટોપીંગ સિસ્ટમ દ્વારા રોડ બનાવવામાં આવે છે. જેનું આયુષ્ય ડામર રોડ કરતા પાંચ ગણું વધુ હોય છે. થોડા સમય પહેલા કોર્પોરેશનના ઇજનેરોએ આ અંગે અભ્યાસ માટે મુંબઇની મુલાકાત લીધી હતી. સિસ્ટમ ખૂબ સારી છે પરંતુ ખર્ચ વધુ થાય છે. કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વોર્ડ નં.6માં ઇસ્ટ ઝોન કચેરી પાસેનો ભાવનગર રોડ પર 8,400 ચો.મીટર વિસ્તારમાં વ્હાઇટ ટોપીંગ સિસ્ટમ દ્વારા રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂ.1 કરોડનો એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. આ કામ 25.20 ટકા ઓન સાથે પવન ક્ધસ્ટ્રક્શનને આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ભાવનગર રોડ વ્હાઇટ ટોપીંગના કામ માટે રૂ.1.22 કરોડનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમથી બનતા રોડને વરસાદી પાણી કે અન્ય સિઝનમાં વાતાવરણની કોઇ અસર થતી નથી. ડામર રોડ પર વ્હાઇટ ટોપીંગ કરવાના કારણે રોડની આવરદા પણ 10 વર્ષની રહે છે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો શહેરના અલગ-અલગ વિસ્તારમાં ડામર પર વ્હાઇટ ટોપીંગ કરવામાં આવશે.

ચાર મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની વિચારણા

કોર્પોરેશન દ્વારા ગવરીદળ ખાતે આવેલા 70 એમએલડીના એસટીપી ખાતે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ બનાવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા માટે 46.85 લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશનની અલગ-અલગ ઝોન કચેરી અને અમૂક વોર્ડ કચેરી ખાતે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. પરંતુ પ્રથમવાર ચાર મેગાવોટનો મહાકાય સોલાર પ્લાન્ટ બનાવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ક્ધસલ્ટન્ટ તરીકે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગરની વરણી કરવામાં આવી છે.

કોઠારિયા એનિમલ હોસ્ટેલમાં ગમાણ બનાવાશે

હાઇકોર્ટના આદેશ બાદ ઢોર પકડવાની કામગીરી વધારી દેવામાં આવી છે. હાલ ઢોર ડબ્બે પશુઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલમાં જૂના કેટલ સેડમાં વધારો કરવા અને ગમાણ બનાવવા માટે રૂ.21.10 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 16 ટકા ઓન સાથે જાન્વી ડેલપર્સ નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે.

વોર્ડ નં.1માં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.8 કરોડ મંજૂર

શહેરના વોર્ડ નં.1માં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્કના કામ માટે રૂ.8.08 કરોડનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેસ્ટ ઝોન વિસ્તારમાં વાવડી હેડ વર્ક્સ માટે પુનિતનગર 80 ફૂટ રોડ પર મોહનેશ્ર્વર મહાદેવ મંદિરથી હેડ વર્ક્સ સુધીના વિસ્તારમાં 610 મીમીની ડાયાની 6.3 મીમી જાડાઇની પાઇપલાઇન નાંખવા માટે 6.63 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.