Abtak Media Google News

આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેના ફોર્મ પર નગરસેવકોની સહી કરવા માટે આવતા લોકો નિરાશ થઇને પરત ફરે છે

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં મોટાભાગના નગરસેવકો વ્યસ્ત થઇ ગયા છે. જેના કારણે કોર્પોરેટરો કોર્પોરેશન કચેરીએ આવતા નથી. જેથી અરજદારોને ધરમના ધક્કા થઇ રહ્યા છે.

આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટેના ફોર્મમાં નગરસેવકોની સહી કરાવી અને સિક્કો મરાવવો ફરજિયાત છે. છેલ્લા ચારેક દિવસથી કોર્પોરેશન કચેરીએ ભાજપ કે કોંગ્રેસના એકપણ નગરસેવક ફરકતા નથી. અરજદારો જ્યારે આધાર કાર્ડના ફોર્મ લઇને નગરસેવકોની સાઇન માટે આવે ત્યારે તેઓને શાસક પક્ષ અને વિરોધ પક્ષના કાર્યાલય મંત્રી દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે હાલ વિધાનસભાની ચૂંટણીના કારણે નગરસેવકો પોતાના વોર્ડમાં પ્રચારમાં વ્યસ્ત હોવાથી કોર્પોરેશન કચેરી ખાતે આવતા નથી. જો તમારે ફોર્મમાં સાઇન કરાવવી ખૂબ જરૂરી હોય તેઓના વોર્ડ કાર્યાલયે જઇ સહિ કરાવી લ્યો અથવા 1 ડિસેમ્બર પછી આવજો. ગત સપ્તાહે જ્યારે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ન હોતા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો કોર્પોરેશન કચેરીએ આવતા હતા પરંતુ ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ બંને પક્ષના નગરસેવકોના દર્શન દુર્લભ થઇ ગયા છે. આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે આવતા અરજદારોને ધરમના ધક્કા થઇ રહ્યા છે જ્યારે આવકના દાખલા મેળવવા માટે પણ અરજદારોએ વલખાં મારવા પડે છે.

ભાજપના 68 કોર્પોરેટરો છે ત્યારે પક્ષ પ્રમુખે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે રોજ એક અથવા બે કોર્પોરેટરો નિર્ધારિત કરાયેલા સમયે કોર્પોરેશન કચેરીએ હાજરી આપશે અને અરજદારોને વિવિધ ફોર્મમાં સહી-સિક્કા કરી આપશે. જો ખરેખર આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો તે અરજદાર અને પક્ષ માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલ મહાપાલિકામાં ઉડે-ઉડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કારણ કે 1100થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપી દેવામાં આવી છે. જ્યારે નગરસેવકો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હોવાના કારણે અરજદારોને રોજ ધક્કા ખાવા પડે છે. રોજ 100થી વધુ અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે. બીજી તરફ કર્મચારીઓને અને અધિકારીઓના ગેરહાજરીના કારણે અનેક રૂટીન કામગીરી પણ ખોરંભે ચડી જવા પામી છે. હજુ એકાદ પખવાડીયા સુધી આવો માહોલ જોવા મળશે. અગત્યના કામ સિવાય અરજદારો કોર્પોરેશન કચેરીએ ધક્કો ન ખાય તેજ તેમના હિતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.