Abtak Media Google News

અગાઉ આચરેલ ગુના વિશે પોલીસને બાતમી આપી દેવાની શંકાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો’તો

સાવરકુંડલાના ઓળિયા ગામે સ્થિત શનિ આશ્રમમાં ગત તા.૭મીના રોજ લોકડાઉનમાં મુંબઇથી ગામે આવેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલ્યો છે. પોલીસે રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટને ઝડપી પાડયો છે. અગાઉ આચરેલા ગુના વિશે યુવાન પોલીસને બાતમી આપી દેશે તેની શંકાએ મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આરોપીએ આપી હતી, હત્યારો નશાના રવાડે ચડી જતા અગાઉ અનેક ગુનાઓ કર્યાનું પણ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે આવેલા શનિ આશ્રમમાં ગત તા.૭મી રોજ મૂળ સાવરકુંડલાના કરજણા ગામ અને હાલ મુંબઇ રહેતા જીજ્ઞેશ દિનેશભાઇ ધકાણ નામના યુવાનની થયેલી હત્યાનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલી રાજકોટના વૃષાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ઝડપી પાડયો હતો. આરોપી વૃષાંત ઉર્ફે શ્યામ ધનેશાએ રાજકોટ, જામનગર, સુરત, અમરેલી અને વડોદરામાં ચીલઝડપના પરથી  વધુ ગુનાની કબુલાત આપતા અમરેલી એલસીબીએ રૂ . ૩.૪૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જીજ્ઞેશ ધકાણ મુંબઇથી ગામડે આવ્યા બાદ શનિ આશ્રમમાં રહેતો હતો. જયારે આરોપી વૃષાંત ઉર્ફે શ્યામ ગાંજાના રવાડે ચડી જતા રખડતા ભટકતા આશ્રમ સુધી પહોચ્યો હતો. જયાં બન્નેની મુલાકાત થઇ હતી ત્યારબાદ  વૃષાંત ઉર્ફે શ્યામ આચરેલા અગાઉના ગુનાઓ વિશે મૃતક જીજ્ઞેશ પોલીસને બાતમી આપી દેશે તેની શંકાએ ગત ૭મીના સળીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

અમરેલી એલસીબીએ રાજકોટના ચાર્ટડ એકાન્ઉન્ટન્ટને ઝડપી લઇ વધુ પૂછતાછ કરતા પોતે સી.એ. ના અભ્યાસ બાદ ગાંજાના રવાડે ચડી ગયા બાદ દેવું વધી જતા ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. વૃષાંત ઉર્ફે શ્યામ સાવરકુંડલામાં ૩, સુરતમાં ૩૯, રાજકોટમાં ૬, જામનગર ર અને વડોદરામાં ર ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે આરોપી પાસેથી ચીલ ઝડપના રૂ. ૩.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે અન્ય મુદામાલ કોણે વેચ્યો તેની પણ પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.