ઘોઘાના સાણોદરમાં પોલીસ રક્ષણ હેઠળ રહેલા પ્રૌઢની હત્યા

મારામારીના કેસમાં સમાધાન ન થતા દસ જેટલા શખ્સોએ તલવાર, ધારીયા અને પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધું

ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન દસ શખ્સોએ મકાનમાં તોડફોડ કરી આંતક મચાવ્યો

ઘોઘા તાલુકાના સાણોદર ગામે છેલ્લા આઠેક વર્ષથી ચાલતી જૂની અદાવતના કારણે દસ જેટલા શખ્સોએ પ્રૌઢના મકાન પર તલવાર, ધારિયા અને પાઇપથી હુમલો કરી તોડફોડ કરી પોલીસ રક્ષણ હેઠળ રહેલા પ્રૌઢની હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન પુત્રીની નજર સામે હત્યા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાણોદર ગામના અમરાભાઇ મેઘાભાઇ બોરીચા નામના દલિત પ્રૌઢની ભયલુભા નિરૂભા ગોહિલ, શક્તિસિંહ નિરૂભા, જયરાજસિંહ રાજુભા, કનકસિંહ હારિતસિંહ, પદુભા હારિતસિંહ, મુન્નાભાઇ ગોહિલ, મનોહરસિંહ જગદીશસિંહ, મનોહરસિંહ છોટુભા, હરપાલસિંહ ગીરીરાજસિંહ અને વિરમદેવસિંહ હરદેવસિંહે તલવાર, ધારિયા, કુહાડી, પાઇપ અને ધોકાથી હુમલો કરી હત્યા કર્યાની મૃતકની પુત્રી નિર્મળાબેન બોરીચાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક અમરાભાઇ બોરીચાને 2013માં દરબારો સાથે બોલાચાલી થતા ભયલુભા, શક્તિસિંહ, રાજુભા, પદુભા અને વિરમદેવસિંહે પગ ભાંગી નાખ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મારામારીના કેસમાં સમાધાન થયુ ન હતુ અને કેસની સુનાવણી પુરી થતા આગામી તા,8મીએ ચુકાદો આવે તેમ હોવાથી અવાર નવાર ધમકી દેતા હોવાથી અમરાભાઇ બોરીચાએ પોલીસમાં અરજી કરી રક્ષણની માગણી કરતા ગત જાન્યુઆરી માસમાં બે જીઆરડી જવાનનું રક્ષણ આપવામાં આવ્યું હતું.

ગઇકાલે ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન અમરાભાઇ બોરીચાના ઘર પાસેથી પસાર થયું ત્યારે દસ જેટલા દરબારોએ ઘાતક હથિયાર સાથે તેના મકાનમાં ઘુસી ગયા હતા અને હુમલો કરતા પિતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રી નિર્મળાબેન બોરીચાના માથામાં ધારિયું લાગ્યું હતું. જ્યારે રક્ષણ માટે રહેલા બે જીઆરડી જવાનોએ સમગ્ર બનાવ મોબાઇલમાં રેકોર્ડીગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ગંભીર રીતે ઘવાયેલા અમરાભાઇ બોરીચા અને તેની પુત્રી નિર્મળાબેન બોરીચાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અમરાભાઇ બોરીચાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે દસેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.