Abtak Media Google News

ત્રણ ફરાર : સઘન તપાસથી બનાવના મૂળીયામોયા માથાઓ સુધી પહોચે તેવી શકયતા

કચ્છમાં મગફળીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે ગાંધીધામમાં નાફેડે ખરીદેલી ૧૧.૩૩ લાખની મગફળીની ચોરી કરનારા ૯ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં અંજારના ભાજપના નગરસેવકના પતિ – પુત્ર અને અન્ય એકની સંડોવણી સામે આવી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ગાંધીધામ GIDCના ગોડાઉનમાં સંઘરવામાં આવેલી ૧૧.૩૩ લાખની મગફળીની ચોરી કરવાના બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બે કુખ્યાત સહિત નવ આરોપીની ધરપકડ કરી છે.મગફળી ચોરીના બનાવના મૂળીયા રાજકીય વગ ધરાવતાં માથાઓ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. ગત ૨૨મીના રોજ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે GIDCના ગોડાઉનની દિવાલ પાછળ ઉભેલી ટ્રક પર છાપો મારતાં તેમાંથી બે લાખની કિંમતની ચોરાઉ મગફળીનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ દરોડા સમયે ટ્રકમાં સવાર લોકો નાસી ગયા હતા. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી મગફળીનો મોટો જથ્થો ચોરાયો હોવાનું સ્પષ્ટ થતાં નાફેડના ચુનીલાલ ગામરાએ બી ડિવિઝન પોલીસ મથકે ૧૧.૩૩ લાખની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રતનાલ રહેતા ટ્રકમાલિક નંદલાલ આહીરની પૂછપરછ કરતાં તેમણે આ ટ્રક અંજારનો સમા ફારૂક લઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ગત રોજ સાંજે ફારૂકને દબોચી લઈ પૂછતાછ હાથ ધરતાં મગફળી ચોરીમાં નાની ચીરઈનો આમદ અલ્લારખા પરીટ, કંડલા મીઠાપોર્ટ ખાતે રહેતો અને મૂળ ખારીરોહરનો અલી હાસમ બુચડ, તુણા વંડીનો જુસબ ઊર્ફે મામો હુસેન બુચડ, ખારીરોહરમાં રહેતા સુલતાન ઈશા ભટ્ટી, ઇલિયાસ અયુબ છારેચા, હુસેન ઉર્ફે ડગરો હારૂન ટાંક, નાની ચીરઈનો ગફૂર બાવલા જુણેજા, કાર્ગો ઝુંપડા-ગાંધીધામમાં રહેતો વસીમખાન જમીરખાન શેખ વગેરે સામેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ નવેય જણાંને દબોચી લીધાં છે.

આ કેસમાં અંજાર પાલીકાના વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા કાઉન્સીલર હંસાબેન ઠક્કરના પુત્ર અને અંજાર યુવા ભાજપના ઉપપ્રમુખ અમીત કેશવજી ઠક્કર અને અંજારના કાઉન્સિલર શકિના બેનના પતિ હનીફ હાસમ કુંભાર તેમજ ભુજના ચુબડક (ગંઢેર) ગામના કાસમ કેશર પારાની સંડોવણી પણ ખુલી છે.

જો કે, આ ત્રણ આરોપી હજુ પોલીસના હાથ લાગ્યા નથી. ઝડપાયેલાં નવ પૈકી જુસબ ઊર્ફે મામો હુસેન બુચડ અને હુસેન ઉર્ફે ડગરો હારૂન ટાંક બંને હિસ્ટ્રીશીટર હોવાનું અને અગાઉ મિલકત સંબંધી ગુનામાં ઝડપાયાં હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.