Abtak Media Google News

શ્રાવણ વદ ચોથથી તહેવારોની શરૂઆત થઈ જાય છે. બોળચોથ પછીના દિવસે એટલે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિને નાગ પાંચમી કહેવામાં આવે છે.

સનાતન ધર્મમાં નાગને દેવ તરીકે પૂજવામાં આવે છે. શ્રાવણ માસમાં અને એમાંય ખાસ નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવામાં આવે છે. નાગ ખેતરોનું રક્ષણ કરે છે, જીવ-જંતુ, ઉંદર વગેરે જે પાકને નુકસાન કરતા હોય તેનો નાશ કરે છે. તે કારણે ખેડૂતો નાગની પૂજા કરે છે. નાગની પૂજા કરવાથી અન્ન અને ધનનાં ભંડાર ભરેલા રહે છે.

નાગ પાંચમીના દિવસે અષ્ટ નાગોની પૂજા કરવામાં આવે છે. આજના પાવન પર્વ પર કાશીમાં નાગકૂવા નામની જગ્યા પર બહુ મોટો મેળો ભરાય છે. કહેવાય છે કે આ જગ્યાએ તક્ષક ગરુડજીના ભયથી બાળક સ્વરૂપે કાશીમાં સંસ્કૃત શીખવા માટે આવ્યા હતા. પરંતુ ગરુડજીને તેની ખબર પડી ગઈ તેથી તેમણે તક્ષક ઉપર હુમલો કર્યો, પોતાના ગુરુજીના પ્રભાવથી ગરુડજીએ તક્ષક નાગને અભયદાન આપી દીધું. ત્યારથી અહીંયા નાગ પંચમીના દિવસે નાગ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નાગ પંચમીના દિવસે અહીંયા પૂજા અર્ચના કરીને નાગકુવાના દર્શન કરે તેમની જન્મકુંડળીમાં જો સર્પદોષ હોય તો તેનું નિવારણ થઈ જાય છે.

નાગપંચમીના દિવસે નાગદેવનાં દર્શન તથા પૂજા કરવાથી નાગદેવ પ્રસન્ન થાય છે. એક પૌરાણિક કથા પ્રમાણે…

પ્રાચીન સમયમાં એક શેઠજીને સાત પુત્રો હતા. સાતે સાત પરિણીત હતા. સૌથી નાના પુત્રની પત્ની બુદ્ધિશાળી અને ઉમદા ચરિત્રની સારી વર્તણૂક ધરાવતી હતી. પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસ જ્યારે મોટી વહુએ તમામ વહુઓને પીળી માટી લાવવા માટે સાથે જવાનું કહ્યું.બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળ્યા અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ.

તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી – સાપ ભાઈ પ્રણામ.સાપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેત. તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.

Nagpancham

થોડાક દિવસો વિત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો – હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.

એક દિવસે સાપની માતાએ તેને કહ્યુ – હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાપનું મોં બળી ગયું. સાપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.નાગ પંચમી વિશેષ: જાણો પૂજા અર્ચના વિષે, નાગદેવતાના 3 મંદિરોનું મહત્વ

આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી તે બોલી – ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી.

સાપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી – શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે – ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.કેક મોતી લગ્ન: ડિઝાઈન વિચારો. મોતી

રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.

Sona Mahor

આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ? નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો. સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.

નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.