નમામિ દેવી નર્મદે : સરદાર સરોવર ડેમ છલોછલ, મુખ્યમંત્રીએ કર્યા વધામણા

  • નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી ચઢાવી વધામણા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
  • સરદાર સરોવર ડેમથી રાજયના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાપાલિકાની 4 કરોડ જનતાને અપાય છે પીવા તથા સિંચાઇનું પાણી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર દરવાજા મૂકાયા બાદ આજે ત્રીજી વખત ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોચતા મુખ્મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી ઓઢાડી નવા નીરના વધામણા કર્યા હતા 63 હજાર કી.મી.ની લંબાઇની નહેર થકી નર્મદાના નીર છેક કચ્છના રણ પ્રદેશ સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમ છલોછલ ભરાય જવાના કારણે એક એક ગુજરાતના હૈયા હરખાય રહ્યા છે.

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે પ.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર019 અને ર0ર0 પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા.

આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.પાણીનો આ આવરો થવાથી  રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં.એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના  બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના  હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી  મળશે.

આ ઉપરાંત  નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે  સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ  નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે.

એટલું જ નહિ, 63,483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે  કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.

નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર014માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી

રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધ ની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 7 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું.વડાપ્રધાનના જ વરદહસ્તે ર017ની 17મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.

વર્ષ ર019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. ર0ર0માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર0રરમાં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.

આ નર્મદા જળ વધામણાં અવસરે રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવા,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી  જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.