Abtak Media Google News

પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ 68 નામો મુકાયા: પેનલો પણ તૈયાર

મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પેનલ બનાવવાની સુચના આપશે તો મુખ્ય ત્રણ હોદ્દાઓ માટે શહેર ભાજપ ચાર-ચાર નામો રજૂ કરશે

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામ ફાઈનલ કરવા માટે આજે બપોરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે. સાંજે 7 વાગ્યે રાજકોટનો વારો લેવામાં આવશે. દરમિયાન શહેર ભાજપ દ્વારા કમળના પ્રતિક પરથી રાજકોટમાં ચૂંટાયેલા 68 નગરસેવકોના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુચના આપશે તો મુખ્ય ત્રણ હોદ્દાઓ માટે ચાર-ચાર નામોની પેનલ રજૂ કરવામાં આવશે. હાલ મેયર પદ માટે પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે દેવાંગભાઈ માંકડ અને ડે.મેયર પદ માટે નયનાબેન પેઢડીયાનું નામ સૌથી પ્રબળ દાવેદારોમાં મનાઈ રહ્યું છે. જો કે, બોર્ડના એક કલાક પૂર્વે પ્રદેશમાંથી પાંચ પદાધિકારીઓના નામ બંધ કવરમાં મોકલવામાં આવશે.

ગત મહિને યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ સ્થળે ભાજપ 2/3થી પણ વધુ બહુમતિ સાથે વિજેતા બન્યું છે. રાજ્યની છ મહાપાલિકાઓમાં મેયર અને ડે.મેયરની ચૂંટણી તથા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની વરણી માટે આગામી 10 થી 12 માર્ચ દરમિયાન બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે. પદાધિકારીઓના નામ ફાઈનલ કરવા માટે આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આરંભ થયો છે જેમાં રાત્રીના સાંજે 7 વાગ્યે રાજકોટના શહેર ભાજપના હોદ્દેદારોને સાંભળવામાં આવશે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી કમળના પ્રતિક પર વિજેતા બનેલા 68 નગરસેવકોના નામ સ્થાનિક સંકલન સમીતી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. આજે બપોરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા ઉપરાંત રાજકોટના ધારાસભ્ય તરીકે વિજયભાઈ રૂપાણી અને રાજકોટ શહેરના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાર્લામેન્ટરી બોર્ડમાં ઉપસ્થિત રહેશે. મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. આવામાં 68 પૈકી 21 નગરસેવકો ઓબીસી કેટેગરીમાં આવે છે જેના નામ અલગ તારવીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે.

શહેર ભાજપના સુત્રોના જણાવ્યાનુસાર હાલ 68 નગરસેવકોના નામ સંપૂર્ણ બાયોડેટા સાથે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. છતાં જો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુચના આપશે તો મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદ માટે ચાર-ચાર નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પેનલમાં મેયર પદ માટે ડો.અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ, નરેન્દ્ર ડવ, નિલેશભાઈ જલુ અને હિરેન ખીમાણીયા, ડે.મેયર પદ માટે ડો.દર્શનાબેન પંડ્યા, ડો.દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા અને ભાનુબેન બાબરીયા જ્યારે સ્ટે.કમીટીના ચેરમેન પદ દેવાંગભાઈ માંકડ, જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાડીયા, પુષ્કરભાઈ પટેલ અને નેહલભાઈ શુકલનું નામ મુકવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.

સામાન્ય રીતે દર વખતની પ્રક્રિયા મુજબ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ શહેર ભાજપ દ્વારા જે નામો પેનલ સ્વરૂપે રજૂ કરવામાં આવતા હોય છે. તેમાંથી કોઈ એક નામની પસંદગી કરી બોર્ડ બેઠકના એક કલાક પૂર્વે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા એક બંધ કવરમાં મુખ્ય ત્રણ સહિત પાંચેય હોદ્દાઓ માટેના નામો મોકલવામાં આવતા હોય છે. 2022માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને નિયુક્તિ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.