Abtak Media Google News

મધ્યપ્રદેશનાં તવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં ૪ લાખ કયુસેક પાણીની આવક: ડેમનાં ૨૧ દરવાજા ખોલાયા

ગુજરાતની જીવાદોરી એવો નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારે ડેમ ઐતિહાસિક એવી ૧૩૫.૭૫ મીટરની સપાટીએ પહોંચી ગયો છે. હવે ડેમ ઓવરફલો થવામાં માત્ર ૨.૯૩ મીટર જ બાકી રહ્યો છે. આગામી ૧ સપ્તાહમાં સરદાર સરોવર ડેમ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

મધ્યપ્રદેશનાં તવા ડેમમાંથી ૪ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા ઈન્દિરા સાગર ડેમમાંથી આ પાણી સરદાર સરોવર ડેમમાં આવ્યું હતું. રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે સવારે ડેમનાં ૩૦ પૈકી ૨૧ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતા અને ડેમમાંથી ૪.૬૪ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. આજે સવારે ડેમની સપાટી ૧૩૫.૭૫ મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફલો થવામાં માત્ર ૨.૯૩ મીટર જ બાકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી તમામ ૬ ટર્બાઈન દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ પર ૨૦૧૪માં દરવાજા મુકવાની મંજુરી મળ્યા બાદ ૨૦૧૭માં ૩૦ દરવાજા મુકવાની કામગીરી પૂર્ણ થઈ હતી. ગત વર્ષે ડેમને પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાની મંજુરી નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા આપવામાં આવી ન હતી. આ વર્ષે પ્રથમ તબકકામાં ૧૩૧ મીટર સુધી ડેમ ભરવાની મંજુરી અપાઈ હતી જે ગત માસે જ ભરાઈ ગયો હતો. ટેકનીકલ તપાસણી બાદ ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી આપવામાં આવી છે. નર્મદા ડેમ પ્રથમ વખત આ વર્ષે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવશે. જેનાં થકી ગુજરાતને ૩ વર્ષ સુધી પીવાનાં પાણી, સિંચાઈનાં પાણી કે વિજળીની કોઈ પ્રકારની તકલીફ વેઠવી પડશે નહીં. આજે ડેમનાં ૨૧ દરવાજા ખોલી ૪.૬૪ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય ફરી એક વખત ગોલ્ડન બ્રીજ ભયજનક સપાટીએ પહોંચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.