Abtak Media Google News

આજે એક સાથે ૮ વોર્ડમાં પાણીકાપથી ગૃહિણીઓમાં ભારે દેકારો: ગણેશ ચતુર્થી અને સવંત્સરીના તહેવારોમાં જ લોકો પાણી વિના ટળવળે તેવી દહેશત

જીડબલ્યુઆઈએલ દ્વારા એનસી-૩૨, એનસી-૩૩ અને એનસી-૩૪ પાઈપલાઈનમાં રીપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી હોય રાજકોટને છેલ્લા ચાર દિવસથી અપુરતા પ્રમાણમાં નર્મદાના નીર મળી રહ્યા છે. છેલ્લા ૩૬ કલાકથી રાજકોટને એક ટીપુ પણ પાણી મળ્યું ન હોય આજે શહેરના ૮ વોર્ડમાં પાણીકાપનો કોરડો વિંઝવામાં આવતા ગૃહિણીઓમાં જબરો દેકારો બોલી ગયો છે.

આજ સાંજથી નર્મદાના નીર શરૂ થાય તેવી સંભાવના છે. કાલે ગણેશચતુર્થી અને સવંત્સરીના પાવન પર્વમાં પણ લાખો લોકો પાણી વિના ટળવળે તેવી દહેશત સર્જાય છે.

રાજકોટને નર્મદાનું પાણી પુરુ પાડતી જીડબલ્યુઆઈએલના મુખ્ય પમ્પીંગ સ્ટેશનમાં રીપેરીંગની કામગીરી સબબ શટડાઉન લેવામાં આવ્યુ હોવાના કારણે આજે મવડી ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ), બજરંગવાડી ઝોન હેઠળના વોર્ડ નં.૨ (પાર્ટ) અને વોર્ડ નં.૩ (પાર્ટ), ૧૫૦ ફુટ રીંગ રોડ પરના વોર્ડ નં.૯ (પાર્ટ) અને વોર્ડ નં.૧૦ (પાર્ટ)માં આજે પાણીકાપ લાદવામાં આવ્યો છે. ગઈકાલ સવારથી રાજકોટને નર્મદાના નીર મળવાનું સંપૂર્ણપણે બંધ છે. છેલ્લા ૩૬ કલાકથી નર્મદાનું પાણી ન મળવાના કારણે વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે.

મહાપાલિકાની વોટર વર્કસ શાખાના સુત્રોના જણાવ્યા અનુસાર આજે મોડી સાંજથી રાજકોટને નર્મદાનું નીર મળવાનું શરૂ થાય તેવી સંભાવના છે. હાલ તમામ ઈએસઆર, જીએસઆર ખાલી છે. નર્મદાનું પાણી શરૂ થયાના ૧૨ કલાક પછી ટાંકા ભરાયા બાદ વિતરણ વ્યવસ્થાની ગાડી પાટે ચડે છે .

જો આજે નર્મદાનું નીર મોડુ મળવાનું શરૂ થશે તો આવતીકાલે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવવાની ભીતિ રહેલી છે. આવતીકાલે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોઈપણ એક ઝોનમાં અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં કોઈપણ એક ઝોન વિસ્તારમાં પાણીકાપ લાદવો પડશે. આજે ૮ વોર્ડમાં પાણીકાપના કારણે શહેરભરમાં ભારે દેકારો બોલી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.