Abtak Media Google News

કોરોના મહામારીના ભયાવહ વાતાવરણમાં મોતથી તો જિંદગી ફફડી જ રહી છે પણ હજુ માનવતાને આંચકા લાગે તેવી સામાજીક અન્યાયની પરંપરા ક્યારેક ક્યારેક માનવતાને પણ ડચકા ખવડાવી દે છે. સોશિયલ મીડિયા પર ફરતા બે હૃદયદ્રાવક દ્રશ્યોની તસ્વીરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ભોગ બનનારના પરિવારની કેવી હાલત છે તે દ્રશ્યમાં એક ઉત્તરપ્રદેશનો ફોટો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. તેમાં વૃદ્ધ મોટી દાઢીવાળા પુરૂષને મહિલાનો મૃતદેહ સાયકલ પર લઈ જતો દેખાવાય છે, બીજા ફોટામાં નીચે પડી ગયેલી સાયકલ અને રસ્તા પર મૃતદેહ પડ્યો હોવાના ફોટાએ અરેરાટી ફેલાવી દીધી છે. જો કે, સ્થાનિક પોલીસે તાત્કાલીક ધોરણે આ કઠણાઈભરી પરિસ્થિતિમાં વૃદ્ધને મદદ કરીને મરતી માનવતાને બચાવી લીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તસ્વીરમાં દેખાતા વૃદ્ધ લખનૌથી 275 કિ.મી.એ આવેલા જોનપુરના અંબેરપુર ગામનો વતની તિલકધારી દેખાય છે. તેની પત્ની સરકારી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હોસ્પિટલે મહિલાનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં તેના ગામ મોકલ્યો હતો પરંતુ ગ્રામજનોએ વિરોધ કરીને કોરોનાગ્રસ્ત મહિલાની અંતિમવિધિ સ્થાનિક સ્મશાનમાં ન કરવા જણાવી અંતિમવિધિથી ગામમાં કોરોનાનો ચેપ ફેલાઈ તેવી દહેશત વ્યકત કરી હતી. અંતિમવિધિ ન થતાં તિલકધારીએ તેની પત્નીના અંતિમ સંસ્કાર સાંઈ નદીના કિનારે કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગ્રામજનોએ તેમાં પર સહકાર આપવાની ના પાડી. તિલકધારીએ પત્નીનો મૃતદેહ પોતાની સાયકલ પર લઈ જવાનું નક્કી કર્યું પરંતુ 70 વર્ષના તિલકધારી અધ્ધવચ્ચે સાયકલ પર કાબુ સાચવી ન શક્યો અને સાયકલ પરથી મૃતદેહ સાથે નીચે ફંગોળાઈ ગયા. પોલીસે જો કે તાત્કાલીક ઘટના સ્થળે જઈ સ્થાનિક મુસ્લિમ યુવાનની મદદથી તિલકધારીના પત્નીના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

ઉત્તરપ્રદેશ અત્યારે કોરોના કટોકટીમાં ફસાયું છે. 3 લાખથી ઉપર સંક્રમીત દર્દી સામે અત્યાર સુધી 11943 મૃત્યુ નિપજી ચુક્યા છે. સમગ્ર દેશમાં એક દિવસમાં દર્દીનો આંક 3,60,960એ પહોંચ્યો છે. કુલ આંકડો 1,79,97,267 સામે મૃતાંક 2 લાખે પહોંચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.