Abtak Media Google News

આચાર સંહિતામાં 7 અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

ટીપી સ્કિમ નં.37 અને 40 રાજકોટ, 29 અને 30 મવડી, 49 રૈયા અને 50 કોઠારિયામાં ટીપી સ્કિમ બનાવવાની કોર્પોરેશનની વિચારણાં: ટીપી સ્કિમ નં.33 (રૈયા)ના પરામર્શ માટેનો નિર્ણય લેવાયો

વાવડી સિપાઇ જમાત વકફ ટ્રસ્ટને કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની જમીન આપવાની દરખાસ્ત નામંજૂર: ઘુસા ટપુના વારસદારોને 40 વર્ષે હવે કોર્ટના આદેશ બાદ કોર્પોરેશન જમીન આપશે

કોર્પોરેશનમાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં મુખ્ય એજન્ડાની 13 પૈકી 12 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે વાવડીમાં વાવડી સિપાઇ જમાત વકફ ટ્રસ્ટને કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની જમીન નીમ કરવાની દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી હતી.

પેટા ચુંટણીની આચાર સંહિતા વચ્ચે વર્તમાન પદાધિકારીઓના સંભવત: અંતિમ જનરલ બોર્ડમાં સાત અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને સર્વાનુમતે લીલીઝંડી આપી દેવામાં આવી છે. શહેરના કોઠારિયા અને વાવડી વિસ્તારમાં નવી ચાર ટીપી સ્કિમ બનાવવાનો ઇરાદો કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે અલગ-અલગ 6 ટીપી સ્કિમ બનાવવા માટે સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે. ટીપી સ્કિમ નં.33 (રૈયા)માં સરકાર સાથે પરામર્શ કરવા મ્યુનિ.કમિશનરને જનરલ બોર્ડ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે.

આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રેકોર્ડબ્રેક 7 અરજન્ટ બિઝનેશ દરખાસ્તને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. તમામને સર્વાનુમતે બોર્ડમાં મંજૂરીની મહોર મારવામાં આવી છે. કામચલાઉ મુસદારૂપ નગર યોજના નં.33 (રૈયા)માં સમાવિષ્ટ મહાપાલિકાને ફાળવવામાં આવેલા જાહેર હેતુના અંતિમ ખંડ તથા રસ્તાની દરખાસ્ત અંગે રાજ્ય સરકારના ટીપીઓ સાથે પરામર્શ કરવા મ્યુનિ.કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રાજકોટના જૂના વિસ્તારોની એક, મોટા મવાની એક, કોઠારિયાની આઠ, વાવડીની બે, ઘંટેશ્ર્વરની ત્રણ, માધાપરની બે અને રૈયા વિસ્તારની એક સહિત કુલ 18 ટીપી સ્કિમ ભવિષ્યમાં બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ટીપી સ્કિમ નં.37 રાજકોટ કે જેમાં કુવાડવા રોડ પોલીસ ચોકી સામેનો વિસ્તારનો સમાવેશ થાય છે. ટીપી સ્કિમ નં.40 રાજકોટ કે જેમાં રાંદરડા તળાવ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. ટીપી સ્કિમ નં.29 અને 30 મવડી કે જેમાં 150 ફૂટ રીંગ રોડથી પાળ રોડ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે ટીપી સ્કિમ નં.49 રૈયા કે જેમાં સ્માર્ટ સિટીને લાગૂ સેક્ધડ રીંગ રોડ પરના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીપી સ્કિમ નં.50 કોઠારિયા કે જેમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારનો સમાવેશ થાય છે. તે બનાવવા માટે સરકાર પાસે માર્ગદર્શન લેવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

આ ઉપરાંત જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મૂકવામાં આવેલી અન્ય અરજન્ટ બિઝનેશ દરખાસ્તમાં શહેરના વાવડી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.26 અને 27 બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત હતી. ટીપી સ્કિમ નં.26 (વાવડી)ની ઉત્તર દિશામાં ટીપી સ્કિમ નં.14 તથા 25ની હદ આવેલી છે. દક્ષિણે કોઠારિયા તથા કાંગશિયાળી ગામનો સિમાડો અને ટીપી સ્કિમ નં.27ની હદ આવેલી છે. પૂર્વ દિશામાં કોઠારિયા ગામનો સિમાડો જ્યારે પશ્ર્ચિમ વિસ્તારમાં ટીપી સ્કિમ નં.25 અને 27ની હદ આવેલી છે. જ્યારે ટીપી સ્કિમ નં.27 વાવડીના ઉત્તર ભાગમાં ટીપી સ્કિમ નં.36 મવડી અને 15 વાવડીનો સમાવેશ થાય છે. દક્ષિણે કાંગશિયાળી ગામનો સિમાડો, પૂર્વ દિશામાં ટીપી સ્કિમ નં.25 અને 26ની હદ જ્યારે પશ્ર્ચિમમાં રૂડા વિસ્તારના પાળ ગામનો સિમાડો આવેલો છે.

આ ઉપરાંત કોઠારિયા વિસ્તારમાં પણ નવી બે ટીપી સ્કિમ બનાવવા માટેનો ઇરાદો જાહેર કરાયો છે. જેમાં સૂચિત ટીપી સ્કિમ નં.30માં ઉત્તરે ટીપી સ્કિમ નં.29 કોઠારિયા, દક્ષિણે ટીપી સ્કિમ નં.38 કોઠારિયા તથા ગામ તળ, પૂર્વમાં ખોખડદળી નદી અને કોઠારિયા ગામતળ જ્યારે પશ્ર્ચિમ છેડે ટીપી સ્કિમ નં.28 અને ટીપી સ્કિમ નં.31 આવેલી છે. ટીપી સ્કિમ નં.31માં ઉત્તર દિશાએ ટીપી સ્કિમ નં.28, દક્ષિણમાં ટીપી સ્કિમ નં.38 અને કોઠારિયા સર્વે નંબર અને પૂર્વ દિશામાં ટીપી સ્કિમ નં.30 કોઠારિયા અને 38 કોઠારિયા જ્યારે પશ્ર્ચિમ દિશામાં હયાત રેલવે ટ્રેક ઉપરાંત નેશનલ હાઇવે અને કોઠારિયાના સર્વે નંબર આવેલા છે.

ટીપી સ્કિમ નં.1 રાજકોટમાં શોપિંગ સેન્ટરના હેતુ માટેના અનામત પ્લોટ નં.1076 પૈકી 4197 ચોરસ મીટર જમીન ઘુસાભાઇ ટપુભાઇના વારસદારોને ફાળવવા તથા યોજનાના અંતિમ ખંડ નં.423ને પ્લે ગ્રાઉન્ડ હેતુ માટે અનામત રાખવા નિર્ણય લેવાયો હતો. આ ટીપી સ્કિમ વર્ષ-1984માં બની હતી. ત્યારે ઘુસાભાઇ ટપુભાઇ નામના આસામીની જમીન લેવામાં આવી હતી. જેની સામે તેઓને ફાળવવામાં આવેલી જમીન પર સ્કૂલનું મેદાન હોવાના કારણે આસામીએ હાઇકોર્ટમાં અપિલ કરી હતી. જેમાં તેઓનો વિજય થયો હતો. જેની સામે કોર્પોરેશને સુપ્રિમના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં કોર્પોરેશનના હાથ હેઠા પડ્યા હતા અને એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે મૂળ માલિકને ખૂલ્લી જમીન આપવી. જે સંદર્ભે ઘુસાભાઇ ટપુભાઇના વારસદારોને શહેરના સોજીત્રાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે 4157 ચોરસ મીટર જમીન આપવાની થાય છે. જેની હાલની બજાર કિંમત 50 કરોડથી પણ વધુ થઇ જવા પામે છે.

આજે જનરલ બોર્ડમાં મુખ્ય એજન્ડાની 13 પૈકી 12 દરખાસ્તો અને અરજન્ટ બિઝનેશમાં મૂકવામાં આવેલી તમામ સાત દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ શાખામાં ટીપીઓ તરીકે એમ.ડી. સાગઠીયાની સર્વાનુમતે નિયુક્તી કરવામાં આવી છે.

રોડ-રસ્તાના પ્રશ્નમાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ પૂરો

કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વણલખી પરંપરા મુજબ એક જ પ્રશ્ર્નની લાંબી ચર્ચામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ પૂરો કરી નાંખવામાં આવ્યો હતો. વોર્ડ નં.5ના ભાજપના નગરસેવિકા રસિલાબેન સાકરિયાએ છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરના ક્યાં-ક્યાં વિસ્તારોમાં પેચવર્ક અને ડામર રિ-કાર્પેટ કરવામાં આવ્યા છે તેની વિગતો માંગી હતી. જે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરાઇ હતી. એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ માત્રને માત્ર એક નગરસેવિકાના પ્રશ્ર્નના જવાબમાં ખેંચી નાંખવામાં આવ્યો હતો. આજે બોર્ડમાં ત્રણ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.