Abtak Media Google News

ભાદર ડેમની સપાટી ૨૫.૭૦ ફુટે પહોંચીઆજી-૧ ડેમમાં નવા ૦.૨૦ ફૂટ પાણીની આવક જળાશયોમાં વિશાળ જળરાશી નિહાળ થવા લોકોનો ધસારો

સૌરાષ્ટ્રમાં ગુરુવારે મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો પરંતુ છલકાતા નદી-નાલામાંથી પાણીની આવક ચાલુ હોવાના કારણે ભાદર સહિતના ૧૩ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની ભાગોળે હનુમાનધારા પાસે આવેલ ન્યારી-૨ ડેમ રુલ લેવલ સુધી ભરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતા ભાદર ડેમમાં ૦.૦૭ પાણી આવક થવા પામી છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી હાલ ૨૫.૭૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૩૪૩૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

ભાદર ડેમ ઓવરફલો થવામાં હજી ૮.૩૦ ફુટ બાકી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં નવું ૦.૧૦ ફુટ, આજી-૧ ડેમમાં ૦.૨૦ ફુટ પાણીની આવક થવા પામી છે.

રાજકોટની જીવાદોરી ગણાતો અને ૨૯ ફુટે ઓવરફલો થતા આજીડેમની સપાટી હાલ ૧૬.૮૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં કુલ ૩૦૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને ઓવરફલો થવામાં હજી ૧૨.૨૦ ફુટ છેટું છે.

પડધરી નજીક આવેલા આજી-૩ ડેમમાં નવું ૦.૯૮ ફુટ પાણી આવ્યું છે. જયારે ઉપલેટાના સોડવદરમાં ૦.૬૬ ફુટ, ગોંડલના વાછપરીમાં ૦.૩૦ ફુટ, રાજકોટની ભાગોળે હનુમાનધારા પાસે આવેલા ન્યારી-૨ ડેમમાં નવું ૦.૨૬ ફુટ પાણી આવ્યું છે.

૨૦.૭૦ ફુટે ઓવરફલો થતા ન્યારીની સપાટી હાલ રુલ લેવલે એટલે કે ૧૮.૬૦ ફુટે પહોંચી જવા પામી છે. હાલ જુલાઈ માસ ચાલી રહ્યો હોય પાણીની આવક સતત ચાલુ હોવા છતાં ડેમને ઓવરફલો થવા દેવામાં આવશે નહીં.

ધોરાજીના ભાદર-૨ ડેમમાં ૦.૧૬ ફુટ, મોરબી જિલ્લાના મચ્છુ-૨ ડેમમાં ૦.૧૬ ફુટ, ટંકારા નજીક આવેલા ડેમી-૧ ૦.૪૬ ફુટ, બંગાવડીમાં ૦.૨૬ ફુટ, મચ્છુ-૩માં ૦.૨૩ ફુટ, દ્વારકા જિલ્લાના વર્તુ-૧ ડેમમાં ૦.૬૬ ફુટ પાણીની આવક થવા પામી છે.

આ ઉપરાંત આજી-૨ ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. ડેમનો એક દરવાજો ૦.૩ મીટર સુધી ખુલ્લો છે. કાલાવડ નજીક આવેલો ડોંડી ડેમ પણ ઓવરફલો થઈ રહ્યો હોય ડેમનો દરવાજો ૦.૦૮ મીટર સુધી ખુલ્લો છે.

જયારે જામનગર જિલ્લાનો ઉંડ-૩ ડેમ પણ ૦.૦૩ મીટરે ઓવરફલો થઈ રહ્યો છે. ધ્રોલ નજીકનો કંકાવતી ડેમ પણ છલકાઈ રહ્યો હોય ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૦ દિવસ દરમિયાન પડેલા અનરાધાર વરસાદના કારણે જળસંકટ તણાઈ ગયું છે.

મોટાભાગના જળાશયોમાં માતબર નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના જળાશયો ૫૬.૭૨ ટકા, મોરબી જિલ્લાના જળાશયો ૧૫.૬૧ ટકા, જામનગર જિલ્લાના જળાશયો ૪૫.૨૯ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો ૧૮.૪૭ ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ૧૮.૯૨ ટકા સુધી ભરાઈ ગયા છે. ધીમીધારે પાણીની આવક ચાલુ હોવાના કારણે જળાશયોની સંગ્રહશકિતમાં સતત વધારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.