Abtak Media Google News

પ્રદ્યુમનસિંહજી સ્કુલમાં ચાલી રહેલી પ્રવચન શ્રેણીમાં પરપીડાનાં ત્યાગનું મહત્વ સમજાવ્યું: કાલે વિષપ પ્રવૃતિનો ત્યાગ કરવો વિશે ઉદબોધન

વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે  પોતાની પ્રવચન શ્રેણીના આજના ચોથા  દિવસે પરપીડાનો ત્યાગ કરવો એ વિશે સમજાવ્યું હતું. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર  અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્ય પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે.  વિશ્વ  હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે  ગઈ કાલે પરોપકારનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્યની વાણીનો લાભ લેવા માટે  મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

આચાર્ય આજે સવારે 7 થી 8-30 દરમિયાન પ્રધુમ્નસિંહજી સ્કૂલના કેમ્પસમાં કોઈપણ વ્યકિતનું ઘસાતું ન બોલવું, નિંદા ન કરવી, નિંદક વ્યકિત બધાને અપ્રિય કેવી રીતે બને છે  તે વિશે તેમ જ આત્માને પામવા ક્યા જરૂરી ગુણો હોવા જોઈએ તે વિશે સવારે 7 કલાકે પ્રવચન આપશે. આ ઉપરાંત  સવારે 10 કલાકે વર્ધમાનનગર ઉપાશ્રયમાં આપણે જે ધર્મક્રિયાઓ કરીએ છીએ તે ધર્મક્રિયાઓ ફળવાળી બને છે કે નહીં ? એ ધર્મક્રિયાઓ ગુણવિકાસ કરનારી બને છે કે નહીં ? એ ધર્મક્રિયાઓ આપણે સંસારનું વિસર્જન કરનારી બને છે કે નહીં ?

એ ધર્મક્રિયાઓ પાપ નાશ કરનારી બને છે કે નહીં ? એ ધર્મક્રિયાઓ પૂણ્યબંધ કરનારી કે મોક્ષસાધક બને છે કે નહીં ? તેને માટે આપણે જાતે જ એ નિર્ણય કરી શકીએ તેના 4 મુદ્દાઓ દ્રારા આધ્યાત્મિક થર્મેામીટર આપવાના છે. આ અનોખા-અદભૂત પ્રવચનને સંભાળવાની તક ચૂકવા જેવી નથી. આજે આચાર્યએ કહ્યું હતું કે, નજીકનો ભવ્ય ભૂતકાળ જોઈએ તો આ આર્ય સંસ્કૃતિનો એવો આદર્શ હતો કે દરેક વ્યકિત સમય આવતા વૈરાગ્યનું નિમિત્ત પામી આત્મસાધના કરીને કલ્યાણ સાધતા. વર્તમાનકાળમાં આત્માસાધના વગેરે  બધું પ્રાય: ભૂલાતું જાય છે અને આ બધા શબ્દો માત્ર શબ્દકોશમાં રહી જવા પામ્યા છે.

આવા આધૂનિક યુગમાં આત્મભાન ભૂલેલા જીવોને આત્મસ્વરૂપ કેવી રીતે પ્રગટ કરવું તે સમજાવવા વર્તમાનકાળના અદ્રિતીય યોગી, પ્રવચન પ્રભાવક આચાર્ય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે આત્મસ્વરૂપને પામવાના ચોથા ઉપાય તરીકે “પરોપકાર કરવો” વિષયને સમજાવ્યા બાદ પાંચમાં ઉપાય તરીકે ‘પરપીડાનો ત્યાગ કરવો’ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ગમે તેટલો પરોપકાર કરો પણ સામા જીવનું પૂણ્ય જેટલું હોય તેટલો જ તેને લાભ થાય અને પરોપકાર કરવા ઈચ્છનારનું પણ પૂણ્યબળ હોવું જરૂરી છે. પરોપકાર પ્રાય: સામગ્રીની અપેક્ષા રાખે છે અને પૂણ્ય બળ હોય તો સામગ્રી મળે. સામગ્રીના અભાવે પરોપકાર કરવામાં ધારી સફળતા મળી શકતી નથી એટલે એ પરાધિન છે. જયારે પરની પીડાનો ત્યાગ કરવો એ સ્વાધિન બાબત છે.

પોતાનાથી પરને અન્યને પીડા ન થાય તેવી રીતે જીવવું. મારા ઘરમાં, મારા પાડોશમાં, મારી શેરી, ગામ કે પ્રદેશ-યાવત વિશ્વની કોઈ પણ વ્યકિતને મારાથી કોઈ પણ પ્રકારે પીડા ન થવી જોઈએ. જે પણ કરો, બોલો કે વિચારો તેમાં એવી પ્રવૃત્તિ ન કરો કે જેમાં બીજા જીવને દુ:ખ થાય.

આવી રીતે સૌ જીવો પોતાના જીવનમાં અન્ય જીવને પીડા ન પહોંચે તેવું જીવન જીવી આત્મસ્વરૂપને પામવાના આગળ આગળના ઉપાયો માટે યોગ્યતા કેળવે અને તે દ્રારા આત્મસ્વરૂપને પામી સદાકાળ માટે શ્રે સુખને પામે એજ શુભાભિલાષા તેમ કહીને આચાર્યએ આજની પોતાની વાણીને વિરામ આપ્યો હતો.

વર્ધમાનનગર જૈન સંઘે આ પ્રવચનનો લાભ લેવા સર્વે જૈન-જૈનેતરને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.