ભાજપની પેનલને નુકસાન કરી વિજેતા બનેલાને કોઇ પદ નહીં!!

મેયર, ડે.મેયર, કારોબારી ચેરમેનની પસંદગી પ્રક્રિયા શરૂ

શહેરમાં ભાજપની પેનલને નુકશાન કરી વિજેતા થનારને કોઇ પદ નહીં આપય તેમ ભાજપના મોવડીના નિર્દેશો પરથી જણાવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પછી હવે ભાજપ નેતાગીરી દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેનના પદ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પસંદગીમાં જામનગરમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરપદ મહિલા (સામાન્ય) અનામત છે, પણ પક્ષની નેતાગીરી માટે સૌથી પેચીદો પ્રશ્ન સ્થાયી સમિતિના ચેરમેન માટેની પસંદગીનો છે.

આ તકે એક બાબત ખાસ ઉલ્લેખનિય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પાર્ટીની મિટિંગમાં કેટલીક સ્પષ્ટતા કડક શબ્દોમાં કરી હોવાનું જાણવા મળે છે. જેમાં તેમના જણાવ્યા પ્રમાણે જામનગરમાં કોઈપણ વોર્ડમાં ભાજપના ઉમેદવારે પોતાની સાથે ઉમેદવારી કરનાર ભાજપની પેનલના બદલે પોતાને જ મત આપવાની હરકતો મતગણતરીના આંકડા પરથી બહાર આવી છે. જેમાં એકાદ બે વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે અને આ પ્રકારે વોટીંગ કરાવનાર જીતી ગયા છે, પણ ભાજપના અન્ય ઉમેદવાર હારી ગયા છે. વોર્ડ નં. ૧૩ માં આવું આંકડાકીય ગણિત સામે આવ્યું છે. આ જ રીતે અન્ય વોર્ડમાં પણ થયું જ છે, પણ સદ્નસીબે ત્યાં પેનલ અકબંધ રહી શકી છે.

આમ જો પાટીલના નિર્દેશો પ્રમાણે સ્થાયી સમિતિના ચેરમેન કે ડેપ્યુટી મેયરના પદ માટે પસંદગી કરવાની થાય તો ચોક્કસપણે પોતાના વોર્ડમાં ભાજપની પેનલને નુક્સાન કરી વિજેતા થનારની બાદબાકી નિશ્ચિત છે.