Abtak Media Google News
  • ઘણીવાર આપણે જોયુ છે કે વ્યક્તિ કામ કરતાં કરતાં ગીત ગાવા લાગે છે: મનના આનંદ સાથે કામ પ્રત્યેનો લગાવ ભળી જાય ત્યારે માનવી નિજાનંદ માણે છે
  • નિજાનંદની ક્ષણ અવ્યક્ત છે, કામને ગમતું કરવાથી આંતરિક શાંતિ, સંતોષ સાથે એક તાજગીનો અનુભવ થાય છે: કામમાં રસ-સમજ ઉમેરો તો જ તેનું પરિણામ મળે છે
  • આજે મોટાભાગના માનવી કામ કરવા ખાતર કે આમદાની મેળવવા કરે છે: નિજાનંદએ મનથી થતાં કાર્યોની આનંદી ક્ષણ છે: પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને જે કાર્યો કરો ત્યારે અકલ્પનીય આનંદની અનુભૂતિ થાય છે

1 8 1

આજે આખી દુનિયાના લોકો રોજી રોટી કમાવવા માટે સવારથી સાંજ કામ કરી રહ્યા છે, પછી ભલેએ કામ ગમતું હોય કે ના ગમતું હોય પણ ગધ્ધા વેતરૂ કે ઢસરડા સૌ કોઇ રહ્યું છે. કર્મ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ સર્વત્ર જોવા મળી રહ્યો છે. બોસની હાજરીમાં બહુ કામ કરી રહ્યો છો તેવું દેખાડો કરનાર હમેંશા મોટો કામચોર હોય છે. આવા લોકો વાતે વાતે સલાહ દેવામાં પાવરફૂલ હોય છે.

ગમે તેવું કામ નહીં પણ, કામને ગમતું કરો જો આટલી વાત માનવીને સમજાય જાય તો બેડો પાર થઇ જાય છે. કામ કરતી વખતે ધીરજ, સમજ, નિષ્ઠા સાથે ઘણી વસ્તુંનો ઉપયોગ થાય તો કામકાજને શ્રેષ્ઠતાનાં ચાર ચાંદ લાગી જાય છે. ઘણીવાર આપણે જોયું હશે કે અમુક વ્યક્તિ કામ કરતાં-કરતાં ગીતો ગાવા લાગે છે. મનનાં આનંદ સાથે કર્મપ્રત્યેનો લગાવ ભળી જાય ત્યારે માનવી નિજાનંદ માણે છે. અંદરથી પ્રગટ થતો, નિજ (પોતાનામાંથી)માંથી પ્રગટ થતો આનંદ નિજાનંદ છે અને તીક્ષ્ણ અવ્યક્ત છે અને તે નિ:શબ્દ છે.

1 12

કામને ગમતું કરવાથી આંતરિક શાંતિ, સંતોષ સાથે એક ખુશી-આનંદ અને તાજગીનો અનુભવ થાય છે. રસ-રૂચિ-સમજ અને લગાવ સાથે કરેલા કાર્યનું પરિણામ હમેંશા શ્રેષ્ઠ જ હોય છે. પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને કરેલા કાર્યો વ્યક્તિને સફળતાની સીડી ચડાવે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કામ બરોબર ધ્યાન રાખીને કરજે વેઠ ન ઉતારતો તેનો અર્થ પણ આજ થાય માટે કર્મપ્રત્યે નિષ્ઠા અગત્યની છે. અરીસા સામે આપણે ઉભા રહીને પ્રથમ પોતાને જોવું બાદમાં અરીસો બીજા સામે રાખવો.

વર્ષો પહેલા આવેલા ગીતના શબ્દો “ગાયેની ગીત મિલન કે, તુ અપની લગન સે’ના શબ્દો આજ વાતની સમજ આપે છે. પોતાના અંદરથી સ્વયં જે કામ પ્રત્યેનો લગાવ (લગન) કે આનંદ ઉદ્ભવે તેજ સાચી કામ કરવાની કે કામ પ્રત્યે ભાવના પ્રગટ કરે છે. કામ કરતી વખતે આનંદ માણતા રહેવાથી તે કામ આપોઆપ ગમવા લાગે છે. કોઇએ કરેલું કામ પોતાની બુધ્ધિશક્તિથી અલગ એંગલથી જોવાની રીત આવડી જાય તો જે જગ્યાએ તમો કાર્ય કરો છો ત્યાં તમને માન-સન્માન મળે છે. ગમે તે કાર્ય કરવાનું ભાગે આવે ત્યારે ક્યારેય તેના પ્રત્યે અણગમો ન રાખવો, હા ન સમજાય ત્યાં માર્ગદર્શન લઇને શ્રેષ્ઠ રીતે કાર્ય કેમ સંપન્ન થાયએ જરૂરી સ્કીલ છે.

1 9 1

ઘણાં માણસોને તેની ઓવર ઓલ યોગ્યતા કરતાં વધારે મળી જાય ત્યારે તેના સ્વભાવમાં બદલાવ આવી જતો હોય છે પણ વાસ્તવમાં જ્યારે કાર્ય કરવાની વાત આવે છે ત્યારે તેને ચિવટપૂર્વક કામ કરનારની જ મદદ લેવી પડે છે. કોઇપણ કામ શીખવામાં ક્યારેય નાનપ ન અનુભવવી કારણે કાર્યનો અનુભવ જ ભવિષ્યમાં તમને સબળા બનાવે છે. ‘કામ કરતો જા હાક મારતો જા’ આ યુક્તિ ખુબ જ સાચી છે, સાચા સુખનું સરનામું જ કર્મ પ્રત્યેનો આનંદ છે.

ઘણીવાર આપણે કામમાં વળતરની અપેક્ષા કરતાં પણ વધુ મેળવી લેવાની વૃત્તિ રાખતાં હોય છે પણ આપણા આત્માને પૂછીએ કે આપણે તેને માટે લાયક છીએ કે નહી. ઘણીવાર જ્યારે સમુહમાં કામની વહેંચણી થતી હોય ત્યારે મોટાભાગના જવાબદારી લેતા નથી અને જણાવે છે જેને આ કામ સોંપશો તેને અમે ટેકો કે મદદ કરશું. ત્યારે કામ સંભાળનાર અને જવાબદારી ન લેનારની ક્ષમતાનો ખ્યાલ આવી જાય છે. આજે તો સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ માટે પણ ‘કર્મયોગી’ તાલિમ યોજવી પડે છે એનો અર્થ એ છે કે કર્મચારીની કર્મપ્રત્યેની નિષ્ઠ તૂટતી જાય છે. જો કે તેમાં ઘણા બીજા કારણો પણ હોય છે.

ભગવદ્ ગીતાજીમાં કર્મયોગની વાતમાં બે પ્રકારની નિષ્ઠા દર્શાવી છે જેમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને બીજી નિષ્કામ કર્મ વડે યોગીની આમ જોઇએ તો પૃથ્વી પરનાં કોઇપણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે પ્રકૃત્તિનો પરવશ સર્વને કર્મ તો કરવા જ પડે છે. કુટુંબ પરિવારનાં લાલન-પાલન માટે સૌએ આ સંસારમાં કામ કરવા જ પડે છે પછીએ નોકરી હોય કે વ્યવસાય બન્નેમાં ક્રમ પ્રથમ સ્થાને છે. મારા કર્મ કરવાથી મને આટલું જ મળે છે કે મને આટલું મળવું જોઇએ જેવી વાતોથી આખી જીંદગી અસંતોષ રહે છે. જે જગ્યાએ આવવું, બેસવું કે કામ કરવું ગમે તે જગ્યા આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે અને તે જગ્યાએ જ તમારી પ્રગતિ લખાયેલી હોય છે. આજના યુગમાં જ્યાં નોકરી કરો છો ત્યાં તમો અંતિમ દિવસ સુધી કે બીજી જગ્યાએ ન જોડાવ ત્યાં સુધી તમો તમારૂં જ કામ છે, તમારી જ ઓફિસ છે તેવા વિશ્ર્વાસથી કર્મ કરશો તો અંતિમ દિવસે સાથી કર્મચારીની આંખો ભીની થઇ જતી જોવા મળે છે.

1 3 3

હમેંશા સતત શિખતા રહેવાથી કામની સાથે આનંદ ભળી જશે !!

ઘર, પરિવાર, ઓફિસ કે કામના ગમે તે સ્થળે દરેક માનવીએ સતત શિખતું રહેવાની ભાવના રાખવી, આમ કરવાની તમારા કામમાં આનંદ ભળી જાય છે અને તમો તણાવમુક્ત નિષ્ઠા સાથે કામ કરવાનો ઉત્સવ માણી શકો છો. ચાર દિવાલ વચ્ચે અને ફિલ્ડમાં કામ કરવા વચ્ચે ઘણો ફરક છે. બધા જ કામ બધા જ કરી શકતા નથી તેની પાછળનું કારણ શિખવાનો અભાવ હોય છે. આપણાં દેશની મોટી સમસ્યા ‘કામ-ચોરી’ની છે. કોઇએ વ્યવસ્થિત કામ કરવું નથી અને ઝડપથી પૈસાવાળું બની જવું છે. કર્મમાં પરિશ્રમનો પરસેવો ભળે ત્યારે આપોઆપ તમારૂ કાર્ય દિપવા લાગે છે. કામની વાહવાહ થાય ત્યારે સમજવું કે તેની ક્ષમતા, લક્ષ્ય સિધ્ધ થયા છે એટલે જ તેને સફળતા મળવા લાગે છે. કોઇપણ કામને પહેલા સમજો. વિચારો અને પછી પ્લાનિંગ કરીને અગ્રતાક્રમ આપો તે સૌથી અગત્યની બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.