Abtak Media Google News

પર્યાવરણમાટે પ્રાણઘાતક પ્લાસ્ટીકને તિલાંજલી આપવા કોર્પોરેશન મક્કમ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર મુકવામાં આવેલા પ્રતિબંધને પગલે વહીવટી તંત્ર વિવિધ પગલાં લઇ રહયું છે તેમાં હવે કેટરિંગ એજન્સીઓને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક ચીજોનો ઉપયોગ બંધ કરાવવા માટે નોટીસ આપવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

Advertisement

તેમણે વધુમાં કહ્યું હતું કે, પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક એવા પ્લાસ્ટિકને તિલાંજલિ આપવી વર્તમાન સમયની માંગ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરીજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરે છે. શહેરમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ અટકાવવા વિવિધ સંસ્થાઓ અને એસોસિએશનોનો સહયોગ મળી રહયો છે. આ સંસ્થાઓ અને વિવિધ એસોસિયેશનો હવે લોકો માટે કાપડની થેલીઓ ઉપલબ્ધ બનાવે તેવી વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા પણ હોકર્સ ઝોન અને અન્ય સ્થળોએ લોકોને કાપડની થેલીઓ આપવાનું આયોજન કરી રહી છે.

વિશેષમાં કમિશનરશ્રીએ કહ્યું કે, શહેરમાં કેટરિંગ સેવા આપતી એજન્સીઓ દ્વારા સિંગલ યુઝ (એકવખત ઉપયોગ થતી) પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ બંધ કરે તેવો અનુરોધ કરવામાં આવે છે. સાથોસાથ કેટરિંગ એજન્સીઓને આ સંદર્ભે એક નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવશે.

સિવિલ વર્કસના મટીરીયલ્સ પ્રોક્યોરમેન્ટની નવી પોલીસી : બંછાનિધિ પાની

મટીરીયલ્સ સપ્લાય કરવા ઈચ્છતી એજન્સીએ  રજીસ્ટ્રેશન કરાવવું  ફરજિયાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ પ્રકારના સિવિલ વર્ક હાથ ધરવામાં આવતા રહે છે અને આ કામોની ગણવત્તા સારી રહે તેવા આશયથી સીસીવીલ વર્કમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ મટીરીયલ્સના પ્રોક્યોરમેન્ટ ( પ્રાપ્ત કરવા ) માટે એક ખાસ નવી નીતિ તૈયાર કરવામાં આવી રહેવે છે અને તેનો ટૂંક સમયમાં અમલ કરવાનો પ્રારંભ પણ થઇ જશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સિવિલ વર્ક સાથે સંકળાયેલી એજન્સીઓએ રાજકોટ મહાનગરપાલિકાના નાના મોટા પ્રોજેક્ટ અને અન્ય પરચુરણ કામો માટેનું મટીરીયલ્સ ફાળવવા માટે આ નવી પોલીસીને અનુસરવું જરૂરી બનશે. જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકામાં આ પોલીસી મુજબ મટીરીયલ આપવા ઈચ્છતી હોય તેને સૌપ્રથમ અરજી કરી એપ્લાય કરવાનું રહેશે. જેમાં એજન્સીએ વિવિધ મટીરીયલ્સના સ્પેસીફીકેશન દર્શાવવાના રહેશે. મહાનગરપાલિકા દ્વારા આ સ્પેસીફીકેશનની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જે તે એજન્સીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

વિશેષમાં કમિશનરશ્રીએ કહ્યું કે,  જે એજન્સી આ પ્રક્રિયા મુજબ રજીસ્ટર્ડ થયેલી હશે તે  જ મટીરીયલ્સ સપ્લાય કરી શકશે. નિશ્ચિત સ્પેસીફીકેશનને નહી અનુસરતી હોય એ એજન્સી મટીરીયલ્સ સપ્લાય કરી નહી શકે. આ સમગ્ર બાબત ટેન્ડર પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.