Abtak Media Google News

વિકાસ કમિશનરે જિલ્લા અને તાલુકા પંચાયતના કલાસ-૧ અને ૨ અધિકારીઓના અનઅધિકૃત એસીઓને દૂર કરવા પરિપત્ર કર્યો

મેરા દેશ બદલ રહા હૈ કેન્દ્રની મોદી સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં સરકારી ખર્ચમાં કરકસર સહિતના અનેક પગલા લીધા છે ત્યારે રાજયની રૂપાણી સરકારે પણ સરકારી ખર્ચે લકઝરી જલ્સા કરતા કલાસ-૧ અને ૨ અધિકારીઓની ઠંડક ઉડાડવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે વિકાસ કમિશનરે ગઈકાલે એક પરિપત્ર કરીને રાજયનાં તમામ જિલ્લા પંચાયત કચેરીઓમાં સરકારના નિયમો વિરૂધ્ધ પોતાની ચેમ્બરો અને વાહનોમાં એસી લગાવનારા અધિકારીઓને આવા એસી દૂર કરવાની તાકીદ કરી છે. વિકાસ કમિશનરનાં આ પરિપત્ર બાદ રાજયનાં અન્ય સરકારી વિભાગો પણ આવા પરિપત્ર કરે તેવી સંભાવના હોય સરકારી ખચે; લકઝરી જલ્સા કરતા બાબુઓની ઠંડી ઉડી જવાની ભર શિયાળે ગરમી અનુભવવા લાગ્યા છે.

ગુજરાત રાજ્ય સરકારના વિકાસ કમિશનરે રાજ્યના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ નિયમ કરતા વધુ સગવડો મેળવતા હોવાનું સામે આવતા હવે પરીપત્ર કર્યો છે. રાજ્યની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારી અધિકારી ચેમ્બર કે વાહનમાં અઈ લગાવી સરકારી પૈસે ઠંડી હવા લેવાની ઘટના સામે આવતા હવે નિયમ મુજબ મળતી સુવિધાઓ ઉપરાંતની સુવિધા ૧૫ દિવસમાં પરત કરવા સૂચના અપાઈ છે.

7537D2F3 5

વિકાસ કમિશ્નરે પરિપત્રમાં લખ્યું છે કે તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે સરકારના વર્ગ-૧ અને ૨ના અધિકારીઓ તેમને નિયમો પ્રમાણે મળતી ના હોય તેવી સગવડો કચેરીમાં કરાવે છે. આવી બાબતોમાં મુખ્ય સગવડ એ.સી. ચેમ્બર અને એ.સી. વાહનની છે. પ્રસંગોપાત એવું પણ ધ્યાન પર આવેલ છે કે વિવાદ ઉભો ના થાય તેથી અધિકારી આવી સગવડો સ્વખર્ચે ઉભી કરાવે છે. પરંતુ તેના કારણે વધારાનું વીજળી બિલ અને પેટ્રોલડીઝલ નો ખર્ચ સરકાર ઉપર જ આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે અધિકારીને જે સગવડો મળવા પાત્ર ના હોય તે સગવડો તે ભોગવી શકે નહીં. આથી તમામ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના આપવામાં આવે છે કે આગામી ૧૫ દિવસમાં તેમના જીલ્લામાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનમાં એ.સી. ફીટ કરાવેલ હોય તો તે તાત્કાલિક દુર કરવા અને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનરને રિપોર્ટ કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.