Abtak Media Google News

ચોટીલા તાલુકાના નાવા ખાતે પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં આવાસના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિચરતી-વિમુક્ત જાતિના મદારી સમાજના લોકો માટે  મંજૂર થયેલ આવાસનો ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર હંમેશા ગરીબ અને છેવાડાના માનવી માટે ચિતિંત છે અને છેવાડાના માનવીને ઘરનું ઘર મળી રહે તેવો રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે. આ વિસ્તારના ૨૨ જેટલા પરિવારોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટેના આવાસનું આજે ભૂમિ પૂજન થયેલ છે જેનાથી વિચરતી વિમુક્ત જાતીના લોકોનું વર્ષોનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણ યોજનાઓ તેના મુળ લાભાર્થી સુધી પહોંચે અને જરુરીયાતમંદને તેનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ તકે મંત્રીએ ઉપસ્થિત લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ તેમના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શાળાએ મોકલવા પણ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કલેક્ટર કે. રાજેશ અને પૂર્વ અધિક સચિવ  કે. જી. વણઝારાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.  આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આવાસ મંજૂરીના હુકમનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં સમાજ કલ્યાણ અધિકારી બી.ટી.ભાલાળા, ચોટીલા મામલતદાર અગ્રણી સુભાષભાઈ શાહ, નાગરભાઈ, દેવાભાઈ ખાવડ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.