Abtak Media Google News

લાંબા મોનસુન બ્રેકથી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા મોલાત મુરઝાવા લાગી:હવે જો મેઘરાજા કૃપા નહી વરસાવે તો ફરી ઉપાધી

લાંબા મોનસુન બ્રેકના કારણે હવે મોલાત મુરઝાવા લાગી છે હવે જો એકાદ સપ્તાહમાં મેઘરાજા મહેર નહી ઉતારે તો ચિંતાના વાદળો ઘેરાવા લાગશે રાજયમાં છેલ્લા 20 દિવસથી  મેઘરાજાએ વિરામ લઈ લીધો છે.જેના કારણે  જગતાત ચિંતાતુર બની ગયો છે.મેઘાવી માહોલ છવાય છે. પરંતુ મેઘરાજા હેત વરસાવતા નથી.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ ખૂબજ સારો રહ્યો હતો બીજા રાઉન્ડમાં ઈન્દ્રદેવે રિતસર ગુજરાત તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું હતુ મોટાભાગના જળાશયોને છલકાવી દીધા છે.જોકે ઓગષ્ટ માસમાં મેઘરાજાએ જાણે રૂસણા કર્યા હોય તેમ મોનસુન બ્રેક જોવા મળી રહી છે. લાંબો મોનસુન બ્રેક હંમેશા ચિંતાનો વિલય બની રહેતોહોય છે. ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા વરસ્યા છે. સંતોષકારક વરસાદ પડયો નથી હવે મોલાતને વરસાદની ખુબજ તાતી જરૂરીયાત છે.જળાશયો અને નદી નાળા છલકાય જવાના કારણે સિંચાઈ માટે પર્યાપ્ત  પાણી ઉપલબ્ધ હોય ખેડુતો હવે મોલાતને બચાવવા માટે  પાણી આપવા લાગ્યા છે.

ગુજરાતમાં સિઝનનો  80.69 ટકા વરસાદ વરસી ગયો છે. ઓગષ્ટ માસને ધ્યાનમાં  રાખવામાં આવે તો ટકાવારીની દ્રષ્ટીએ  ખૂબજ સારો  વરસાદ પડયોં છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે ઉતર ગુજરાતમાં 67.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  64.98 ટકા સૌરાષ્ટ્રમાં 109.72  ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.62 ટકા વરસી ગયો છે. જૂલાઈ માસમાં રાજયમાં સરેરાશ  448.73મીમી વરસાદ વરસી ગયા બાદ ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં માત્ર  15.62 મીમી વરસાદ વરસ્યો હતો.

લાંબા મોનસુન બ્રેકે હવે મોટી ઉપાધી ઉભી કરી છે.આકાશમાં    કાળા ડિબાંગ વાદળોનો  જમાવડો જામે છે. મેઘાવી  માહેાલ છવાય છે. પરંતુ વરસાદ વરસતો નથી હવે પાકને વરસાદની તાતી જરૂરીયાત છે.જો એકાદ સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહી પડે તો મોલાત મુરઝાઈ જશે.હાલ રાજયમાં સાર્વત્રીક અને સંતોષકારક વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ સક્રિય નથી આગામી પાંચેક દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા  આપવામાં આવી છે.

આજે જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવા વરસાદની શકયતા

ગુજરાતમાં છેલ્લા ર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે મોલાત મુરજાઇ રહી છે દરમિયાન આજથી વાતાવરણમાં થોડો પલટો આવે તેવી શકયતા છે રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ ઉપરાંત બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ પડશે. હવે જગતાત કાગડોળે વરસાદની વાટ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.