રેસકોર્સમાં મહિલા ગાર્ડનમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના માણસોનો કબ્જો !

કલ્પના ચાવલા મહિલા ગાર્ડનમાં પુરૂષોના જવા પર પ્રતિબંધ છે ત્યાં કોન્ટ્રાક્ટરના માણસોએ ઝુપડાં બાંધી દીધા હોવાનું ધ્યાને આવતા ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે તાત્કાલિક અસરથી બગીચાને દબાણ મુક્ત કરાવ્યો: કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહીની તૈયારી

શહેરના રેસકોર્ષ સંકુલમાં કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે ખાસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કલ્પના ચાવલા નામના આ મહિલા ગાર્ડનમાં પુરૂષોના જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવા છતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર માણસોએ કબ્જો જમાવી લીધાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમ્યાન આજે ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે તાત્કાલીક અસરથી મહિલા ગાર્ડનને દબાણ મુક્ત કરાવ્યો હતો. કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા ડેપ્યુટી ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે આજે સવારે તેઓ રેસકોર્ષ સંકુલમાં આવેલા મહિલા ગાર્ડન વોકિંગ માટે ગયા હતા ત્યારે ત્યાં ચાર-પાંચ ઝુપડા બાંધી કેટલાંક લોકો વસવાટ કરતા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક અસરથી ગાર્ડન શાખાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા તમામ લોકોને ગાર્ડનની બહાર ધકેલી દેવામાં આવ્યા હતાં.

મહાપાલિકાના બગીચાઓ અને વૃક્ષોને પાણી પીવડાવવાનું, વૃક્ષોની સફાઇ કરવાનું અને જાળવણીનું કામ કરતા મોહનભાઇ નામના કોન્ટ્રાક્ટર માણસો અહીં ઝુપડાં બાંધીને વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેઓએ પણ આજે મહિલા ગાર્ડનની મુલાકાત લીધી હતી. કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. કોન્ટ્રાક્ટર કોર્પોરેશનના પૂર્વ અધિકારીના નજીકના સગાં હોવાનું મનાઇ રહ્યું છે. જેના ઓથતળે તેના માણસોએ મહિલા ગાર્ડનમાં કબ્જો જમાવી લીધો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.