Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ આઠ મહાનગર અને 33 જિલ્લામાં કરશે પ્રવાસ

સક્રિય કાર્યકર્તાઓને પક્ષ દ્વારા જવાબદારી સોંપાશે: પ્રભારીઓને  વિશ્ર્વાસમાં લીધા બાદ જ સ્થાનીક સંગઠનની રચના કરવા પ્રમુખોની તાકીદ

લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતમાં સમ ખાવા પુરતી એકપણ બેઠક જીતી ન શકનારી દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે હવે લોકસભાની ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુકત અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલે તાજેતરમાં પ્રદેશના પદાધિકારીઓ ઉપપ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નિષ્કિય પદાધિકારીઓને આગામી દિવસોમાં સંગઠન લક્ષી કામગીરીમાંથી મુકત કરી દેવામાં આવશે. આગામી દિવસોમાં શકિતસિંહ રાજયના તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં સંગઠનલક્ષી પ્રવાસ કરશે.ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. 2017માં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ માત્ર પાંચ વર્ષમાં અર્થાત 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાય જવા પામી હતી. હાઇકમાન્ડે આ કારમા પરાજય બાદ ગુજરાતમાં પ્રદેશ અઘ્યક્ષ પદેથી જગદીશ ઠાકોરની હકાલપટ્ટી કરી તેમના સ્થાને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો  ન થાય તે માટે શકિતસિંહ ગોહિલે તૈયારીઓ આરંભી દીધી છે. લોકસભાની ચુંટણીના આડે હવે આઠ માસનો સમય બાકી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ દ્વારા ગત સોમવારે પ્રદેશના સંગઠનના હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંગઠન ને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને મંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંગઠાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં સક્રિય હોય તેવા કાર્યકરોને જ જવાબદારી સોંપવામાં આવશે. આટલું જ નહી નિષ્કીય પદાધિકારીઓને કામગીરીમાંથી મુકત કરી દેવામાં આવશે. નેતાઓ, ધારાસભ્યોને જનસંપર્ક વધારવા માટેની ટકોર કરવામાં આવી હતી. હોદેદારોની નિમણુંક પણ સ્થાનીક પ્રભારીઓને વિશ્ર્વાસમાં લીધા બાદ જ કરવામાં આવશે.

Advertisement

પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ આગામી દિવસોમાં રાજયના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં પ્રવાસ કરશે અને સંગઠનને વધુ મજબુત બનાવવા માટેની કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવશે કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં સંગઠન માળખામાં મોટા ફેરફાર કરવામાં આવશે. નવા હોદેદારોની ટુંક સમયમાં વરણી કરવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.