Abtak Media Google News

આચારસંહિતા ઉઠતાની સાથે મહાપાલિકામાં રૂટિન કામોનો ધમધમાટતમામ શાખાઓનાં વડા સાથે બેઠક બોલાવતાં ઉદય કાનગડ

લોકસભાની ચુંટણીનાં કારણે છેલ્લા અઢી માસથી લાગેલી આદર્શ આચારસંહિતા આજે વિધિવત રીતે ઉઠી જતાની સાથે જ મહાપાલિકામાં રૂટિન કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રિ-મોનસુન સહિતની કામગીરીઓ શરૂ  કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કાલે તમામ શાખાઓનાં અધિકારીઓ, સિટી એન્જીનીયરો, ડીએમસી સાથે રીવ્યુ બેઠક બોલાવવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આચારસંહિતા ઉઠતાની સાથે જ હવે મહાપાલિકામાં રૂટિન કામગીરી શરૂ થઈ જવા પામી છે. ચોમાસાની સીઝન પહેલા પ્રિ-મોનસુન કામગીરી પુરજોશમાં શરૂ થાય તે માટે આવતીકાલે મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે ત્રણેય ઝોનનાં ડીએમસી, ત્રણેય સિટી એન્જીનીયર અને અલગ-અલગ શાખાઓનાં વડા તથા સંલગ્ન સમિતિનાં ચેરમેન સાથે મિટીંગ બોલાવવામાં આવી છે.

જેમાં ચોમાસામાં વરસાદ શરૂ થાય તે પહેલા શહેરનાં તમામ વોંકળામાં સફાઈ કામગીરી આટોપી લેવા, રાજમાર્ગો પરનાં ચરેરાઓ બુરી દેવા, મેટલીંગ કરવા, જીડીસીઆરનાં નિયમ વિરુઘ્ધ લાગેલા હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા અને સુરતની ઘટના બાદ શહેરમાં ફાયર સેફટી અંગે થયેલી કામગીરીનો રીવ્યુ લેવામાં આવશે. ડિઝાસ્ટર કામગીરીની પણ માહિતી એકત્ર કરવામાં આવશે. રાજકોટમાં ભવિષ્યમાં પણ સુરત જેવી દુ:ખદ ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડે જરૂરી સાધન-સામગ્રી ખરીદી લેવા કાર્યવાહી કરવામાં આવશે. ભારે વરસાદમાં ભુગર્ભ ગટર છલકાવવાની સમસ્યા ન સર્જાય તે માટે મેન હોલની પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.