Abtak Media Google News

ચેનલ-૧ અને આઇએનઆઇના નામે મીડિયા અંગેની કોઇ કાયદેસરની ઓથોરિટી ન હોવા છતાં મીડિયા કર્મચારી તરીકેની ઓળખ આપી રૂા.૫૦ લાખ પડાવવાનો હીન પ્રયાસ કરનાર શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાયો

કહેવાતા પત્રકારોના મલીન ઇરાદાઓના કારણે સમાજની સાચી વિગતો ઉજાગર કરી મીડિયા ધર્મ બજાવતા પત્રકારો પરેશાન

મીડિયાના નામે લુખ્ખી ચલાવતા લેભાગુ અને કહેવાતા પત્રકારની ખરાઇ કરવી જરૂરી

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોઇ કાયદેસરની ઓથોરિટી વિના બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા કહેવાતા પત્રકારો તંત્ર માટે મુશ્કેલી સર્જી છે. પોતાના અંગત લાભ અને ફાયદા માટે કોર્પોરેસન, ટાઉન પ્લાનીંગ અને પોલીસ તંત્રને ગેર માર્ગે દોરી રહ્યાની કેટલીક ઘટના પ્રકાશમાં આવી છે. કહેવાતી ચેનલના નામે યુ-ટયુબમાં વીડિયો વાયરલ કરી પૈસા પડાવતી ગેંગ પૈકીના કહેવાતા પત્રકારને જાગૃત નાગરિક દ્વારા બરાબર પાઠ ભણાવી પોલીસ હવાલે કર્યો છે.

Advertisement

મીડિયાના નામે ચરી ખાતા અને કહેવાતી ચેનલના હેડ પોતાની ઘરની ધોરાજી ચલાવી મનફાવે તેવા આક્ષેપ સાથેના મેસેજ યુ ટયુબના માધ્યમથી વાયરલ કરી કેટલાક કહેવાતા પત્રકારો અને લેભાગુઓ દ્વારા ખંડણી પડાવવી, ઉઘરાણા કરવા અને હપ્તા વસુલી કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે આઇએનઆઇ ન્યુ પ્રેસ મીડિયાના નામે યુ ટયુબમાં ચેનલ ચલાવતા સબાસ્ટીયન વર્ગીસ મોરબી રોડ પરની એક જમીન પ્રકરણમાં બીન જરૂરી વિવાદ ઉભા કરી રૂા.૫૦ લાખ પડાવવાનો પ્રયાસ કર્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સબાસ્ટીયન વર્ગીસને રૂા.૫૦ લાખની ખંડણી પડાવવાના કરેલા પ્રયાસ અંગે પોલીસે મહિલા કોલેજ પાસેના કોસ્મોપ્લેક્ષ પાસેથી પકડયો ત્યારે નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પોલીસે અલગ ગુનો નોંધી કાયદાના પાઠ ભાવ્યા છે.

મોરબી રોડ પર જકાત નાકા પાસે સર્વે નંબર ૫૩ની જમીનના મુળ માલિક લક્ષ્મણભાઇ જીવરાજભાઇ તળાવીયાના કુલમુખત્યાર રાહુલભાઇ ગુણવંતભાઇ મહેતાએ જમીનમાં કોઇ પેશકદમી ન કરે તેની દેખભાળ માટે સિકયુરીટી રાખી હોવા છતાં ગત તા.૩ જુલાઇએ બપોરે ત્રણેક વાગે સબાસ્ટીયન વર્ગીસ પોતાની ચેનલ વન અને આઇએનઆઇ ન્યુઝની ઓખળ આપી ગેર કાયદે રીતે વીડિયો ઉતારવાનું શરૂ કર્યુ હતું.

સિક્યુરીટીગાર્ડ દ્વારા સબાસ્ટીયન વર્ગીસને વીડિયો ઉતારવા અંગે અટકાવતા તે ઉશ્કેરાયો હતો અને પોતે પત્રકાર હોવાનો રોફ જમાવી મને બધી ખબર છે કહી સિક્યુરીટી ગાર્ડના પ્રવિણભાઇ, કમલેશભાઇ અને મહેશસિંહને ધમકાવતા તેઓએ રાહુલભાઇ મહેતાને આ અંગે જાણ કરતા તેઓ ત્યાં જતા સબાસ્ટીયન વર્ગીસ ઉશ્કેરાયો હતો અને આ મેટર તમારે પુરી કરવી હોય તો રૂા.૫૦ લાખ આપવા પડશે તેમ કહી ખૂનની ધમકી દીધી હતી.

સબાસ્ટીયન વર્ગીસને રૂા.૫૦ લાખની ખંડણી ન આપતા તેને ખોટા મેસેજ સાથેનો વીડિયો વાયરલ કરી ૨૦ જેટલા અજાણ્યા શખ્સોને મોકલી પથ્થરમારો કરાવી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

કહેવાતી ચેનલના નામે તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા સબાસ્ટીયન વર્ગીસ સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી હતી તે દરમિયાન તે મહિલા કોલેજ પાસે આવેલા કોસ્મોપ્લેક્ષ બિલ્ડીગમાં હોવાની બાતમીના આધારે એસઓજીના કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચુડાસમાએ બાતમીના આધારે ઝડપી બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે તે ચીકાર નશો કરેલી હાલતમાં હોવાથી પોલીસે સબાસ્ટીયન વર્ગીસ સામે પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

મીડીયાના નામે ચરી ખાતા આવા કહેવાતા પત્રકારો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. કોર્પોરેશન ને પોલીસમાં અવાર નવાર આવા કહેવાતા પત્રકારો તંત્ર પર દબાણ લાવી ગેર માર્ગે દોરવા ઉપરાંત પોતાના આર્થિક ફાયદા માટે તંત્રને મજબુર કરતા હોય છે. પત્રકારો કયારેય ૨૦ જેટલા શખ્સોના ટોળા સાથે જઇને પથ્થરમારો કરે જ નહી તેઓઓ સમાજની સારી બાબતને ઉજાગર કરી સમાજ અને તંત્રને મદદરૂપ થતા હોય છે. ત્યારે આવા કહેવાતા પત્રકારો સામે પ્રતિબંધ ફરમાવવા તંત્રએ એકશન પ્લાન બનાવવો જરૂરી બન્યો છે. અને કહેવાતી ચેનલોની કાયદેસતા તપાસવી જરૂરી બની છે. કહેવાતા પત્રકારો દ્વારા જ લૂંટ-ફાટ કરતા હોવાથી તંત્રએ ચેનલ અંગેના જરૂરી ડોક્યુમેન્ટ તપાસી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો આવા ફુટી નીકળેલા કહેવાતા પત્રકારોના ત્રાસમાંથી સમાજ અને તંત્ર મુક્ત બને તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.