Abtak Media Google News

આહિર-પાટીદાર ઉમેદવારો વચ્ચે ખેલાશે સીધો જંગ

અબતક,જામનગર  ન્યૂઝ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત માં લોકસભાની 26 બેઠકો પૈકી વધારાની 13 બેઠકોના નામોની બીજી યાદી ગઈકાલે મોડી સાંજે જાહેર કરવામાં આવી હતી, જેમાં જામનગર લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.પી. મારવીયા (પટેલ) ની પસંદગી ઉતારવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ તરફથી ગઈકાલે લોકસભાના ઉમેદવાર ની બીજી યાદી પ્રસિદ્ધ કરાઈ હતી, જેમાં 12- જામનગર લોકસભા વિસ્તારની બેઠક માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવી છે, અને કાલાવડના નિકાવા ની બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત જે. પી. મારવીયા (પટેલ) ની પસંદગી કરવામાં આવી છે, અને તેઓએ કેન્દ્રિય કોંગ્રેસની કમિટી, રાજ્ય ના એકમ, તથા જામનગર જિલ્લાના કોંગ્રેસના તમામ અગ્રણીઓ નો આભાર માન્યો છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાના પ્રશ્નોને લઈને પોતે ચૂંટણી જંગમાં ઉતરશે, તેવો સંકેત આપ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે, તો પાટીદાર સમાજ તથા આહીર સમાજની બહુ મોટી વસ્તી છે, અને ભારતીય જનતા પાર્ટી તરફથી આહિર જ્ઞાતિ ના સક્ષમ ઉમેદવાર વર્તમાન સાંસદ પુનમબેન માડમ પર ત્રીજી વખત વિશ્વાસ કરીને તેઓને પુન; ટિકિટ ફાળવી છે, અને ભાજપની સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલી યાદીમાં તેઓનું નામ નિશ્ચિત કરી દેવામાં આવ્યું હતું.  ત્યારે હવે જામનગર લોકસભાની બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા ગઈકાલે પાટીદાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હવે જામનગરની બેઠક પર પાટીદાર ઉમેદવાર અને આહિર ઉમેદવાર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. કોંગ્રેસ પાર્ટી તરફથી પૂર્વ સાંસદ અને લોકસભા તથા વિધાનસભાની બેઠકો માટેના બે દાયકાના અનુભવી એવા વિક્રમભાઈ માડમ ચૂંટણીની કમાન સંભાળે તેમ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.