Abtak Media Google News

રાજકોટમાં ઝાકળવર્ષા: દિલ્હી મુંબઈની ફલાઈટ ડાયવર્ટ કરાઈ
વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે વિઝિબિલિટિ માત્ર ૧૦૦ મીટર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષા થઈ હતી. રાજકોટમાં વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે વિઝિબિલિટિ માત્ર ૧૦૦ મીટર નોંધાઈ હતી. ઓછી વિઝિબિલિટિના કારણે સવારે રાજકોટ આવતી દિલ્હી અને મુંબઈની ફલાઈટને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. વાતાવરણ ચોખ્ખુ થયા બાદ આ ફલાઈટ રાજકોટ ૪ કલાક મોડી પહોંચતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા અને પવનની ઝડપ મંદ રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલ બાદ આજે પણ વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે વિઝિબિલિટિમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે સવારે વિઝિબિલિટિ માત્ર ૧૦૦ મીટર રહેવા પામી હતી. જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સવારમાં પણ વાહનોની હેડલાઈટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વિઝિબિલિટિમાં ઘટાડો નોંધાવવાના કારણે વહેલી સવારે ૬:૩૦ કલાકે દિલ્હીથી રાજકોટ આવતી એરઈન્ડિયાની ફલાઈટનું લેન્ડીંગ થઈ શકયું ન હતું. ઝાકળવર્ષાના કારણે દિલ્હીની ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી તો સવારે ૬:૦૦ કલાકે મુંબઈથી આવતી જેટ એરવેઝની ફલાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આજે ઝાકળવર્ષાના કારણે શહેરમાં હવાઈ સેવા ખોરવાઈ જવા પામી હતી. દરમિયાન વાતાવરણ એકદમ કલીયર થતા દિલ્હી અને મુંબઈની ફલાઈટ રાજકોટ ખાતે નિર્ધારીત સમય કરતા ૪ કલાક મોડી આવી હતી જેના કારણે મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના રહેલી છે. આજે ઝાકળવર્ષાના કારણે રાજમાર્ગો રીતસર જાણે વરસાદનું ઝાપટુ પડયું હોય તે રીતે ભીના થઈ ગયા હતા. ઝાકળના કારણે ઠંડીનું ચમકારો પણ અનુભવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.