Abtak Media Google News

સેવા’ના ભેખધારી કે ‘મેવા’ના?

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને હવાલા કૌભાંડ હેઠળ ઇડીએ ઉપાડી લીધી!!

ઇડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસ મામલે તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ઇડીએ મોટી કાર્યવાહી કરતા મની લોન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને અટેચ કરી હતી. મહત્વપૂર્ણ બાબત છે કે, મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક, અનિલ પરબ બાદ હવે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હવાલા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે જેથી ચોક્કસ  લાગી રહ્યું છે કે, હવે એક પછી એક સેવાના ભેખધારી બની મેવાની ચાહ રાખનારા રાજકીય આગેવાનો ખુલ્લા પડી રહ્યા છે.

જૈનના નજીકના લોકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો જેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ  હેઠળ તપાસ ચાલી રહી હતી. અહીં નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, વીજળી, ગૃહ, પીડબ્લ્યુડી, ઉદ્યોગ, શહેર વિકાસ, સિંચાઈ અને જળમંત્રી છે.

લગભગ 4.81 કરોડ રૂપિયાના મૂલ્યની અચળ સંપત્તિઓ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈંડો મેટલ ઈંપેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પર્યાસ ઈંફોસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલયાતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જેજે આઈડિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ, વૈભવ જૈનના પત્ની સ્વાતિ જૈન, અજીત પ્રસાદ જૈનના પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનના પત્ની ઈન્દુ જૈન સંબંધિત છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી એક ખોટો કેસ ચલાવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઇડી તેઓને ઘણી વખત બોલાવી ચૂકી છે. વચ્ચે ઘણાં વર્ષો ઇડીએ તેઓને બોલાવાનું બંધ કરી દીધું હતું કારણકે તેઓને કશું મળ્યું નહોતું. હવે ફરી શરૂ કર્યું છે કારણકે સત્યેન્દ્ર જૈન હિમાચલ ઈલેક્શનના ઈન્ચાર્જ છે. સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે હિમાચલમાં બીજેપી હારી રહી છે. માટે સત્યેન્દ્ર જૈનની આજે ધરપકડ કરવામાં આવી છે કે જેથી તેઓ હિમાચલ ના જઈ શકે. જૈન થોડા દિવસોમાં છુટી જશે કારણકે કેસ એકદમ ખોટો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.