Abtak Media Google News

ગઢડામાં સવા ઈંચ, બોટાદ, લાલપુર અને રાજુલામાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ

જુન માસ વિતવા પર છે છતાં સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ ન પડતા ખેડુતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘાવી ડોળ રહ્યો હતો છતાં મેઘરાજા મન મુકીને વરસ્યા ન હતા. ભાવનગર જિલ્લામાં જેસર અને વલ્લભીપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો આજે સવારથી વાતાવરણ ફરી કલિયર થઈ ગયું છે અને સુર્યનારાયણ પુરબહારમાં ખીલયા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૭ જિલ્લાનાં ૯૨ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાનાં વિરપુરમાં ૪૫ મીમી પડયો હતો. હાલ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ આવે તેવી એકપણ સિસ્ટમ સક્રિય નથી. ત્રીજી જુલાઈ બાદ રાજયમાં ફરી ભારે વરસાદની આગાહી આપવામાં આવી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં જેસરમાં ૩૪ મીમી, વલ્લભીપુરમાં ૩૦ મીમી, સિંહોરમાં ૧૩ મીમી, ભાવનગરમાં ૯ મીમી, બોટાદ જિલ્લામાં ગઢડામાં ૨૯ મીમી, બોટાદમાં ૧૦ મીમી, અમરેલી જિલ્લાના રાજુલામાં ૧૭ મીમી, જામનગર જિલ્લાના કાલાવડમાં ૧૨ મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા.

જામનગર શહેરમાં ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિમાં સુમારે વરસાદનું ઝાપટું પડયું હતું. માહોલ તો એવો હતો કે હમણા વરસાદ તુટી પડશે પણ થોડી જ મિનિટોમાં વરસાદ થંભી ગયો હતો અને તડકો નીકળી પડયો હતો. સવારથી જ આકાશમાં વાદળાઓ છવાઈ ગયા હતા અને ભારે ઉકળાટ તથા પવનની ગેરહાજરીમાં અગિયાર વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને મિનિટો પછી ધોધમાર વરસવાનું ચાલુ થયું હતું પરંતુ અડધો કલાક પછી વરસાદ બંધ થઈ ગયો હતો અને પોણા ઈંચ જેવું પાણી પડયું હતું હજી વરસાદી વાતાવરણ સર્જાયુ હોય ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવી શકયતા છે. આજે સવારે વાતાવરણ પલટાતા લોકોને સારા વરસાદની આશા બંધાઈ હતી. જોકે જિલ્લાના લાલપુર તાલુકામાં ૧૨ મીમી જેટલો વરસાદ થયો હતો એ સિવાય મેઘરાજાની મહેર જોવા મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.